છોટા ઉદેપુરમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો: ડ્રાઇવર ફરાર, 13.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: દારૂબંધીના કાયદાના કડક અમલ અંતર્ગત છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા સાંપડી છે. LCBની ટીમે ડોન બોસ્કો બ્રિજ પાસે એક બિનવારસી ઇનોવા કારમાંથી 3.96 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર સહિત કુલ 13.96 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, LCB સ્ટાફ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરને ચોક્કસ બાતમી મળી હતી કે, અંબાલા ગામ તરફથી છોટા ઉદેપુર તરફ આવી રહેલી એક કાર (નંબર: GJ-01-WJ-8172)માં ગેરકાયદે વિદેશી દારૂ વહન કરવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે સુરખેડા ગામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી કાર આવતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે છોટાઉદેપુર તરફ ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક તેનો પીછો કર્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાની જાણ થતાં ચાલકે ડોન બોસ્કો બ્રિજ પાસે ગાડી રોડની સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ઇનોવા કારની તલાશી લેતાં તેની ડિક્કી અને વચ્ચેની સીટના ભાગે મૂકેલા કાગળના બોક્સમાંથી બિયરના ટીન તથા વિદેશી દારૂની પ્લાસ્ટિક ક્વાર્ટર બોટલો મળી આવી હતી. પોલીસે 3,96,832 રૂપિયાની કિંમતની કુલ 1,456 બોટલ/ટીન દારૂ-બિયર અને 10,00,000 રૂપિયાની કિંમતનીકાર મળીને કુલ 13,96,832 ઇનોવાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે છોટા ઉદેપુર પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.




