Chhota Udaipur

ચોમાસામાં ખાતર માટે વલખાં: છોટા ઉદેપુર અને ગોધરામાં ખેડૂતોની ભીડ, પ્રતિ કાર્ડ માત્ર 2 થેલી મળતા નારાજગી

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં ચોમાસાની સિઝન જામતા છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ આધારકાર્ડ દીઠ માત્ર 2 થેલી ખાતર મળતા ખેડૂતોમાં રોષ છે. ગોધરામાં સર્વર ડાઉન થતા વિતરણ અટક્યું છે. ખેડૂતોએ ગામડે ખાતર અને પૂરતો જથ્થો આપવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસામાં ખાતર માટે વલખાં: છોટા ઉદેપુર અને ગોધરામાં ખેડૂતોની ભીડ, પ્રતિ કાર્ડ માત્ર 2 થેલી મળતા નારાજગી

Fertilizer Shortage: રાજ્યમાં ચોમાસાની સિઝન જામતા જ ખેતી માટે ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

છોટા ઉદેપુરમાં ભાડું ખર્ચીને આવતા ખેડૂતો મુશ્કેલીમાં

છોટા ઉદેપુર તાલુકાના આશરે 150 જેટલા ગામડાંમાં ખાતર ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂતોને પોતાના ગામથી ભાડું ખર્ચીને છોટા ઉદેપુર શહેર સુધી આવવું પડે છે. શહેરમાં આવેલા ખાતરના ડેપો બહાર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ડેપો સંચાલકો દ્વારા આધારકાર્ડ દીઠ માત્ર બે થેલી ખાતર આપવામાં આવે છે. રોજબરોજ ખાતર માટે ધક્કા ખાવા પડતા હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ગોધરામાં સર્વર ડાઉન અને કલાકોની રાહ

બીજી તરફ, પંચમહાલના ગોધરા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ખાતર કેન્દ્ર પર પણ ખેડૂતોની આવી જ કરુણ સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોને ખાતર લેવા માટે પાંચ-પાંચ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. તદુપરાંત, સર્વર ડાઉન હોવાના કારણે મોબાઈલમાં OTP ન આવતો હોવાથી વિતરણ કામગીરી અટકી પડે છે. કલાકોની રાહ જોયા બાદ પણ પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે.

ખેડૂતોની માંગણીઓ

ખેડૂતોની મુખ્ય માંગણીઓ કે, ગામડાંના સ્તરે જ પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ખેડૂતોને શહેર સુધી ધક્કા ન ખાવા પડે. આધારકાર્ડ દીઠ માત્ર બે થેલી આપવાને બદલે જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો આપવામાં આવે. ગોધરા જેવા કેન્દ્રો પર સર્વર અને OTP ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

ખેતીની મુખ્ય સિઝનમાં જ ખાતર માટે વલખાં મારવા પડી રહ્યા હોવાથી ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ રોષ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.