છોટા ઉદેપુરમાં જંગલ જમીનના મુદ્દે ખેડૂતો આક્રમક, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આપ્યું આવેદન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Farmers Protest: છોટા ઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી અણઉકેલાયેલા પ્રશ્નોને લઈને સ્થાનિક ખેડૂતો તથા લોકસંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી પેન્ડિંગ રહેલા જમીનના દાવાઓનો તાકીદે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
વર્ષ 1980 અને 2005-06ના પ્રશ્નો હજુ પણ વણઉકલ્યા
આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવાયું હતું કે, વર્ષ 1980ની મર્યાદામાં ખેડૂતોને મળેલી જંગલ જમીનના 7/12ના ઉતારામાં હજુ સુધી રૅકોર્ડ પર નકશાની સત્તાવાર નોંધ કરવામાં આવી નથી. આ ઉપરાંત, વર્ષ 2006ના વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળ મંજૂર થયેલી જંગલ જમીન અંગે પણ ખેડૂતોને પ્રત્યક્ષ રીતે ભૌતિક કબજો સોંપવામાં આવ્યો નથી.
ખેડૂતો અને લોકસંગઠન દ્વારા કરવામાં આવેલી માંગણીઓ
•વન અધિકાર હેઠળ પેન્ડિંગ રહેલી તમામ જૂની ફાઇલોનો સત્વરે અને કાયદાનુસાર નિકાલ કરવો.
•વર્ષ 1980ના નિયમો હેઠળ મળેલી જમીનના 7/12ના રૅકોર્ડમાં નકશા દાખલ કરવા.
•વન અધિકાર અધિનિયમ હેઠળ પાત્ર ઠરેલા ખેડૂતોને જમીનનો પ્રત્યક્ષ અને ભૌતિક કબજો સોંપવો.
લોકસંગઠનના અગ્રણીઓ અને ખેડૂતોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં રાખીને પેન્ડિંગ દાવાઓ અંગે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો ખેડૂતોના આ પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો આંદોલન આદરશે.




