નસવાડીના આમથા ગામે વિકાસના દાવાઓ ખોખલા, બે વર્ષથી નદી કિનારે કાચા ઝૂંપડામાં આંગણવાડી બેસવા બાળકો મજબૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, પોષણ અને સુરક્ષિત વાતાવરણ આપવાના હેતુથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને સ્ટેજ પરથી મોટે-ઉપાડે વિકાસના દાવાઓ કરવામાં આવે છે. જોકે, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમથા ગામેથી સામે આવેલી વાસ્તવિકતા આ તમામ દાવાઓની પોલ ખોલી રહી છે. અહીં નાના બાળકો માટેની આંગણવાડી છેલ્લા બે વર્ષથી પાકા મકાનના અભાવે નદી કિનારે આવેલા એક કાચા અને અત્યંત જર્જરિત ઝૂંપડામાં ચાલી રહી છે.
બે વર્ષનો લાંબો સમય વિતી જવા છતાં હજુ સુધી નવા પાકા મકાનની કે સુરક્ષિત જગ્યાની કોઈ વ્યવસ્થા નથી
મળતી માહિતી મુજબ, આશરે બે વર્ષ પહેલાં આમથા ગામની આંગણવાડીનું પાકું મકાન અતિ જર્જરિત થઈ જતાં તંત્ર દ્વારા બાળકોને ત્યાં બેસાડવાનું બંધ કરવામાં આવ્યું હતું. તે સમયે તંત્રએ વૈકલ્પિક પાકા મકાનની વ્યવસ્થા કરવાના બદલે પ્રાથમિક શાળા નજીકના એક કાચા ઝૂંપડામાં આંગણવાડી શિફ્ટ કરી દીધી હતી. બે વર્ષનો લાંબો સમય વિતી જવા છતાં હજુ સુધી નવા પાકા મકાનની કે સુરક્ષિત જગ્યાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
સમસ્યાઓ અને ભયજનક સ્થિતિ
•જીવજંતુનો ભય: આંગણવાડી નદી કિનારે આવેલા કાચા ઝૂંપડામાં હોવાથી ચોમાસા દરમિયાન ઝેરી જીવજંતુઓ ઘૂસી જવાનો સતત ભય રહે છે.
•જર્જરિત બાંધકામ: ઝૂંપડાની દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે. પંખો ચાલુ હોય ત્યારે પણ ઉપરથી છત કે પોપડા પડવાની ભીતિ સેવાઈ રહી છે.
•મૂળભૂત સુવિધાઓનો અભાવ: ભૂલકાંઓને બેસવા માટે પૂરતી જગ્યા નથી, રમકડાંની સુવિધા નથી અને સૌથી ગંભીર બાબત એ છે કે અહીં શૌચાલયની પણ કોઈ સુવિધા નથી.
તંત્રની આ ઘોર બેદરકારીના કારણે આંગણવાડીના કર્મચારીઓ અને વાલીઓમાં માસૂમ બાળકોની સુરક્ષાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જો બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ બે-બે વર્ષ સુધી રાહ જોવી પડતી હોય, તો સરકારી કાગળ પર દેખાતો વિકાસ જમીની સ્તરે ક્યાં છે?
હવે સ્થાનિકો અને વાલીઓ તંત્ર સામે સીધા સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું અધિકારીઓ કે નેતાઓ ક્યારેય સ્થળ તપાસ કરવા આવશે? આમથા ગામના માસૂમ ભૂલકાઓને સુરક્ષિત છત અને પાકું મકાન ક્યારે નસીબ થશે?









