નસવાડી APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ: ફોર્મ ભરવા માત્ર એક દિવસ અપાતા ઉમેદવારો મુશ્કેલીમાં, વેપારીઓમાં અસંતોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Naswadi APMC Election: છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વેપારી આલમમાં ભારે અસંતોષ અને નારાજગીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર એક જ દિવસનો સમય મળવા સામે અને વેપારી વિભાગમાં મતદારોની સંખ્યામાં થયેલા જંગી ઘટાડા સામે સવાલો ઉઠ્યા છે.
4 બેઠકો સામે આખરી મતદારયાદીમાં માત્ર 2 જ મતદારોના નામ
નસવાડી APMCની કુલ 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 533 મતદારો અને સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની 2 બેઠકો માટે 63 મતદારો નોંધાયા છે. જોકે, સૌથી વધુ વિવાદ વેપારી વિભાગની બેઠકોને લઈને ઊભો થયો છે. વેપારી વિભાગની 4 બેઠકો સામે આખરી મતદારયાદીમાં માત્ર 2 જ મતદારોના નામ સામે આવ્યા છે. પરિણામે, જો આ બંને મતદારો ઉમેદવારી નોંધાવે તો તેઓ બિનહરીફ ચૂંટાઈ આવે અને બાકીની 2 બેઠકો ખાલી રહે તેવી વિચિત્ર સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યાનુસાર, અગાઉની APMC ચૂંટણીમાં વેપારી વિભાગમાં આશરે 378 મતદારો હતા. સરકારના નીતિ-નિયમો અને લાયસન્સ સંબંધિત નવી શરતોના કારણે આ વખતે મોટાભાગના વેપારીઓ મતાધિકારથી વંચિત રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે, જેનાથી બજાર સમિતિના સંચાલનમાં વેપારીઓનું યોગ્ય પ્રતિનિધિત્વ ન જળવાવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ, 29મી ઓગસ્ટે ઉમેદવારી પત્રો ભરવાના રહેશે અને 30મી ઓગસ્ટે ફોર્મની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 9મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. રક્ષાબંધનના તહેવારના તુરંત બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે માત્ર એક જ દિવસનો ગાળો મળતાં ઉમેદવારો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે.




