છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન પર વડોદરા ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી, 3.50 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Illegal Sand Mining: છોટા ઉદેપુર તાલુકાના દેવલીયા અને તેજગઢ વચ્ચે આવેલી ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર વડોદરા ખાણ અને ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન સ્થળ પરથી રેતી ભરવામાં ઉપયોગમાં લેવાતા 3 હિટાચી મશીન અને 7 ટ્રક સહિત અંદાજે 3.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી ડી.એન. પવાયાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ખનન સ્થળે કોઈ માન્ય લીઝ મંજૂર ન હોવાનું સામે આવ્યું હતું.
સ્થળ તપાસ અને માપણીની કામગીરી શરૂ
નદીમાંથી ગેરકાયદે રીતે રેતી કાઢવામાં આવતી હોવાથી ફ્લાઈંગ સ્ક્વોડે મશીનો અને વાહનો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા હાલ સ્થળ તપાસ અને માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીના પટમાંથી કેટલા પ્રમાણમાં રેતીનું ગેરકાયદે ખનન થયું છે અને તેના કારણે રાજ્ય સરકારને રોયલ્ટી પેટે કેટલી આવકનું નુકસાન થયું છે તેનો આંકડો આ માપણી બાદ સ્પષ્ટ થશે. છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતી તેની ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે જાણીતી હોવાથી અવારનવાર ગેરકાયદે ખનનની ફરિયાદો ઊઠતી રહે છે.
ગેરકાયદે રેતી ખનન અટકાવવા માટે છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા સ્થાનિક તંત્ર અને મામલતદારોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં, છેલ્લા પંદર દિવસમાં વડોદરાની ફ્લાઈંગ સ્ક્વોડે ઓરસંગ નદીમાંથી બીજી વખત મોટા પાયે ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું છે. સ્થાનિક ખાણ-ખનિજ વિભાગની ટીમો અને તાલુકા તંત્રની હાજરી છતાં આટલા મોટા પ્રમાણમાં ખનન પ્રવૃત્તિ ધમધમી રહી હોવાથી સ્થાનિક તંત્રની કામગીરી અને દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.




