Chhota Udaipur

છોટા ઉદેપુર: ઓરસંગ નદી પર ડેમ ન બનતાં લાખો ક્યુસેક પાણી દરિયામાં વેડફાયું, સિંચાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં!

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરમાં ઓરસંગ નદી પર ડેમ ન બનતા 500થી વધુ ગામો પાણીથી વંચિત રહે છે. સ્થાનિકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર જળ સંચયની વાતો કરે છે, પરંતુ 90 કિલોમીટર લાંબી નદી પર ડેમ બાંધતી નથી. રેતીની રોયલ્ટી અને નેતાઓની લીઝ બચાવવા માટે ડેમ નિર્માણ ટાળવામાં આવતું હોવાનો આક્ષેપ છે. ચોમાસામાં લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: ઓરસંગ નદી પર ડેમ ન બનતાં લાખો ક્યુસેક પાણી દરિયામાં વેડફાયું, સિંચાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં!

Chhota Udepur News: રાજ્ય સરકાર દ્વારા એકતરફ જળ સંચય અને પાણી બચાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પર આજદિન સુધી એક પણ મોટો ડેમ બનાવવામાં આવ્યો નથી. ઓરસંગ નદીમાંથી દર વર્ષે ચોમાસા દરમિયાન લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જાય છે. સ્થાનિકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રેતીની રોયલ્ટીની આવક અને નેતાઓની રેતીની લીઝો બચાવવાના ચક્કરમાં તંત્ર દ્વારા ડેમનું નિર્માણ કરવામાં આવતું નથી.

4 તાલુકાના 500થી વધુ ગામોને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ

મધ્ય પ્રદેશમાંથી નીકળતી ઓરસંગ નદી છોટા ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર, પાવીજેતપુર, બોડેલી અને સંખેડા એમ ચાર તાલુકામાંથી આશરે 90 કિલોમીટરના વિસ્તારમાં પસાર થાય છે. આ નદીના કાંઠે 500થી વધુ ગામો આવેલા છે. ચોમાસામાં નદી બે કાંઠે વહે છે ત્યારે પાણીનો મોટો જથ્થો વેડફાઈ જાય છે. જો આ 90 કિલોમીટરના વિસ્તારમાં 2થી 3 નાના-મોટા ડેમ કે ચેકડેમ બનાવવામાં આવ્યા હોત, તો સમગ્ર જિલ્લાને જળ સંકટમાંથી કાયમી મુક્તિ મળી શકી હોત. ડેમ ન હોવાથી ચોમાસું પૂરું થતાં જ વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને પાવીજેતપુર અને અન્ય અંતરિયાળ તાલુકાઓને સિંચાઈ માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

રેતીની રોયલ્ટી અને લીઝો બચાવવા ડેમ બનાવતા ન હોવાનો આક્ષેપ

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે સરકારને માત્ર ઓરસંગ નદીના વિશાળ પટમાંથી મળતી સફેદ રેતીની કરોડો રૂપિયાની રોયલ્ટીમાં જ રસ છે. છેલ્લા 50 વર્ષમાં તંત્ર દ્વારા અહીં ડેમ બનાવવા માટે કોઈ પણ પ્રકારનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો નથી. જો નદી પર ડેમ બને તો રેતીનું ખોદકામ અને રોયલ્ટીની આવક ઘટે તેમજ નેતાઓની લીઝો બંધ થઈ જાય, તેવા સ્વાર્થ ખાતર ખેડૂતોના હિતને કોરાણે મૂકી દેવાયું હોવાનો સુર ઉઠ્યો છે.

લોકપ્રતિનિધિઓ પાસે સર્વે કરાવવાની માંગ

સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે, જિલ્લાના ધારાસભ્યો, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદો આ ગંભીર મુદ્દે સરકારમાં તાત્કાલિક રજૂઆત કરે. ઓરસંગ નદી પર યોગ્ય જગ્યાઓ નક્કી કરીને ડેમ બનાવવા માટે તાકીદે ટેકનિકલ સર્વે કરાવવામાં આવે.
દરિયામાં વહી જતાં પાણીને રોકીને છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.