Chhota Udaipur

છોટા ઉદેપુર: ભારે વરસાદમાં ઝાબ ગામનો કોઝવે ધોવાયો, બોરધા અને દેગલા સહિત અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે પાવી જેતપુર તાલુકાના ઝાબ (પાણીબાર) ગામ પાસેનો કોઝવે ધોવાઈ ગયો છે. ટોકરવા કોતરમાં પૂર આવતા કોઝવેનો મોટો ભાગ તૂટી પડ્યો, જેનાથી બોરધા, નાની અમરોલ, સજૂલી, દેગલા જેવા અનેક અંતરિયાળ ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને દૂધ ઉત્પાદકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો કાયમી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: ભારે વરસાદમાં ઝાબ ગામનો કોઝવે ધોવાયો, બોરધા અને દેગલા સહિત અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

Chhota Udepur Rain: છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે અંતરિયાળ વિસ્તારોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઝાબ (પાણીબાર) ગામ પાસે આવેલો કોઝવે પૂરના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. કોઝવેનો મોટો ભાગ તૂટી પડતાં આ પંથકના અનેક ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ટોકરવા કોતરમાં પૂર આવતાં કોઝવે બિસ્માર બન્યો

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદને પગલે સ્થાનિક ટોકરવા કોતરમાં પાણીની તોતિંગ આવક થઈ હતી. કોતર પર પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા બાદ તેનો એક મોટો હિસ્સો ધોવાઈ ગયો હતો. કોઝવે ધોવાઈ જતાં રસ્તો સંપૂર્ણપણે બિસ્માર અને જોખમી બની ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

image.png

વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને દૂધ ઉત્પાદકો અટવાયા

આ કોઝવે તૂટી જતાં આસપાસના અનેક ગામો મુખ્ય સંપર્કથી કપાઈ ગયા છે. જેમ કે, બોરધા, નાની અમરોલ, સજૂલી, દેગલા સહિતના અનેક અંતરિયાળ ગામોનો અવરજવરનો માર્ગ બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થવાના કારણે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ખેડૂતો અને દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. દૈનિક ચીજવસ્તુઓના પરિવહન પર પણ બ્રેક વાગી ગઈ છે, જેના કારણે લોકોને લાંબા અંતરનો વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે ચોમાસા દરમિયાન ટોકરવા કોતરમાં ભારે પૂર આવે છે અને કોઝવેને નુકસાન પહોંચે છે. વર્ષોથી આ સમસ્યા યથાવત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી, જેને કારણે લોકોને જીવના જોખમે કોતર પસાર કરવું પડે છે.

સમારકામ નહીં, હવે કાયમી પુલ બનાવવાની ઉગ્ર માંગ

વારંવાર સર્જાતી આ વિકટ પરિસ્થિતિથી કંટાળીને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ માંગ કરી છે કે, દર વખતે માત્ર થીગડાં મારીને કોઝવેનું સમારકામ કરવાના બદલે અહીં કાયમી ધોરણે મોટું નાળું અથવા પાકો પુલ બનાવવામાં આવે. હાલના તબક્કે, બંધ થયેલા માર્ગને તાત્કાલિક ધોરણે પુનઃ કાર્યરત કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.