Chhota Udaipur

છોટા ઉદેપુર: બોડેલીના ઊંચા કલમમાં રેતીના વોશિંગ પ્લાન્ટ સામે ખેડૂતોનો આક્રોશ, તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ!

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામે રેતીના વોશિંગ પ્લાન્ટથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પ્લાન્ટમાંથી નીકળતી રેતી કોતરોમાં ઠલવાતા કુદરતી જળમાર્ગ બંધ થયા છે. પરિણામે, ખેતરો જળબંબાકાર થતાં પાકને ભારે નુકસાન થાય છે. મધ્ય પ્રદેશમાંથી સ્થળાંતરિત પરિવારોની આજીવિકા જોખમમાં છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલીના ઊંચા કલમમાં રેતીના વોશિંગ પ્લાન્ટ સામે ખેડૂતોનો આક્રોશ, તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ!

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામે રેતીના વોશિંગ પ્લાન્ટને કારણે સ્થાનિક ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પ્લાન્ટના કારણે ખેતીની જમીન અને પાકને મોટું નુકસાન પહોંચતાં અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સ્થળાંતરિત પરિવારોની આજીવિકા સંકટમાં

મળતી માહિતી અનુસાર, બોડેલીના ઊંચા કલમ ગામે મધ્ય પ્રદેશમાંથી સ્થળાંતર કરાયેલા અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. આ પરિવારો વર્ષોથી આ જમીન પર ખેતી કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. પરંતુ ગામની નજીક શરૂ થયેલા રેતીના વોશિંગ પ્લાન્ટના કારણે હવે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે.

કુદરતી પાણીનો માર્ગ બંધ થતાં ખેતરો જળબંબાકાર

સ્થાનિક ખેડૂતોના આક્ષેપ અનુસાર, વોશિંગ પ્લાન્ટમાંથી નીકળતી રેતી અને ગ્રાવલને નજીકની કોતરોમાં ઠાલવી દેવામાં આવે છે. જેના કારણે કુદરતી પાણીના નિકાલનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાણી ખેતરોમાં ભરાઈ રહે છે, જેનાથી જમીનનું ધોવાણ થાય છે અને તૈયાર પાકને વ્યાપક નુકસાન થાય છે. આ ઉપરાંત, કોતરોમાં પશુઓ ફસાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

ગેરકાયદે ખનન અને પર્યાવરણને નુકસાનનો આક્ષેપ

સરકાર દ્વારા નિયમ મુજબ રેતી ખનનની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ આ વોશિંગ પ્લાન્ટના લીધે નદીમાંથી રેતીની સાથે માટીનું પણ મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રવૃત્તિ ગેરકાયદે રેતી ખનનને પ્રોત્સાહન આપી રહી છે અને પર્યાવરણની સાથે ખેડૂતો માટે પણ વિનાશક સાબિત થઈ રહી છે.

ખેડૂતોની કડક કાર્યવાહીની માંગ

અસરગ્રસ્ત પરિવારો અને સ્થાનિકોની માંગણી છે કે, બંધ થઈ ગયેલી કોતરોની તાત્કાલિક સફાઈ કરવામાં આવે. ખેતી અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા રેતીના વોશિંગ પ્લાન્ટને તુરંત બંધ કરાવવામાં આવે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી, નિયમભંગ કરનારા જવાબદારો સામે કડક પગલાં લેવાય અને જરૂર જણાય તો પ્લાન્ટના પરવાના રદ કરવામાં આવે.