છોટા ઉદેપુર: કુંદનપુર તળાવ પાણીથી છલોછલ છતાં ખેડૂતો તરસ્યા, 15 વર્ષથી સિંચાઈ નેટવર્ક બિસ્માર હોવાથી તંત્ર સામે રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Kundanpur Reservoir: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા સૌથી મોટા કુંદનપુર સિંચાઈ તળાવને લઈ તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરતી ચિંતાજનક વિગતો સામે આવી છે. તળાવમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોવા છતાં, છેલ્લા 15 વર્ષથી સિંચાઈ નેટવર્ક અને કેનાલો તૂટેલી હાલતમાં હોવાના કારણે ચોમાસા બાદ પણ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકતું નથી.
15 વર્ષથી કેનાલો બિસ્માર, હજારો ખેડૂતો મુશ્કેલીમાં
તંત્રની ઘોર લાપરવાહીનો ભોગ આસપાસના હજારો ખેડૂતો બની રહ્યા છે. બોડેલીના કુંદનપુર સિંચાઈ તળાવની કેનાલો અને સીમેન્ટના પાઈપો ઠેર-ઠેરથી તૂટી ગયા છે તેમજ તેના પાળા પણ ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યા છે. કેનાલો તૂટેલી હોવાથી ખેડૂતોને મોંઘા ડીઝલના ભરોસે અથવા બોર-કૂવાનું વેચાતું પાણી ખરીદીને ખેતી કરવા મજબૂર બનવું પડ્યું છે. સિંચાઈનું પાણી ન મળવાને કારણે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો વર્ષમાં માત્ર ચોમાસા આધારિત એક જ પાક લેવા મજબૂર બન્યા છે.
મેન્ટેનન્સના નામે લાખોનું બજેટ ક્યાં વપરાયું?
સ્થાનિક ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓને આ મામલે અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. એકતરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, તો બીજી તરફ ચોમાસામાં તળાવ છલોછલ ભરાઈ જવા છતાં પાણી ખેતરો સુધી પહોંચતું નથી. આથી દર વર્ષે મેન્ટેનન્સના નામે આવતું લાખો રૂપિયાનું બજેટ ક્યાં વપરાય છે? તેવા તીખા સવાલો ખેડૂતો સિંચાઈ વિભાગના અધિકારીઓને પૂછી રહ્યા છે.
ખેડૂતોની મુખ્ય માંગ
•કુંદનપુર સિંચાઈ તળાવની પાઈપલાઈન અને કેનાલ નેટવર્કનું નવેસરથી સંપૂર્ણ સર્વે કરવામાં આવે.
•તૂટેલી કેનાલો અને પાઈપલાઈનનું વહેલી તકે નવું નિર્માણ હાથ ધરવામાં આવે.
•મહત્તમ ગામોના ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે.









