Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીની શાળામાં શિક્ષણ વ્યવસ્થા શરમાઈ! પુસ્તકની જગ્યાએ બાળકોના હાથમાં ઝાડુ પકડાવ્યું, વીડિયો વાઈરલ

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લાના કોલી બોરીયાદ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શાળાના બાળકો પાસે પેન-પુસ્તકને બદલે ઝાડુ પકડાવી સફાઈ કરાવતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. અભ્યાસના સમયે બાળકો પાસે મજૂરી કરાવતાં શિક્ષણના અધિકાર સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ગ્રાન્ટ મળવા છતાં બાળકો પાસે કામ કરાવવાથી શિક્ષણ વિભાગની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીની શાળામાં શિક્ષણ વ્યવસ્થા શરમાઈ! પુસ્તકની જગ્યાએ બાળકોના હાથમાં ઝાડુ પકડાવ્યું, વીડિયો વાઈરલ

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલી બોરીયાદ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. શાળામાં અભ્યાસ કરવા આવતા માસૂમ બાળકોના હાથમાં પેન-પુસ્તકની જગ્યાએ ઝાડુ પકડાવી સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે ખળભળાટ મચ્યો છે.

શિક્ષણના બદલે મજૂરી!

વાઈરલ થયેલા વીડિયોમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો જ શાળા કેમ્પસમાં કચરો વાળતા અને સફાઈ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આક્ષેપ થઈ રહ્યો છે કે બાળકોના અભ્યાસના સમય દરમિયાન જ તેમની પાસે આ રીતે સફાઈનું કામ કરાવવામાં આવે છે. આદિવાસી વિસ્તારના બાળકો પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શાળાએ આવે છે, ત્યારે તેની પાસે શિક્ષણના બદલે મજૂરી જેવું કામ કરાવવામાં આવતાં શિક્ષણના અધિકાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ગ્રાન્ટની રકમ ક્યાં જાય છે? સવાલો ઘેરાયા

સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓની સફાઈ અને જાળવણી માટે દર વર્ષે નિયમિત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે જો સફાઈ માટે ગ્રાન્ટ મળતી હોય તો પછી વિદ્યાર્થીઓ પાસે કેમ કામ કરાવવામાં આવે છે? નોંધનીય છેકે, છોટા ઉદેપુર જિલ્લામાં અગાઉ પણ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવાના વીડિયો સામે આવી ચૂક્યા છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતાં તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે.

હાલ સ્થાનિકો અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ તાત્કાલિક ધોરણે આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર શિક્ષકો કે સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.