Chhota Udaipur

છોટા ઉદેપુર: પાવીજેતપુરના નાની રાસલીમાં રેતીના વાહનોને લઈને વિવાદ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે માથાકૂટ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે રેતી ભરેલા વાહનોની અવરજવર મુદ્દે ફરી વિવાદ થયો છે. ગ્રામજનોએ એક વાહન રોકતા ચાલકો સાથે બોલાચાલી થઈ હતી. ઓવરલોડ વાહનોથી રસ્તા તૂટતા અને અકસ્માતનો ભય હોવાથી ગ્રામજનોમાં રોષ છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે?

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: પાવીજેતપુરના નાની રાસલીમાં રેતીના વાહનોને લઈને વિવાદ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે માથાકૂટ

Chhota Udepur Sand Mining: છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે રેતી ભરેલાં ભારે વાહનોની અવરજવરને લઈને ફરી એકવાર ઉગ્ર વિવાદ સર્જાયો છે. ગામમાંથી પસાર થઈ રહેલા રેતી ભરેલા એક ભારે વાહનને સ્થાનિક ગ્રામજનોએ રોકતા મામલો ગરમાયો હતો. વાહન રોકવા બાબતે ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટ થતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રસ્તાઓને નુકસાન અને અકસ્માતનો ભય

નાની રાસલી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલાં વાહનોની સતત અવરજવરને કારણે ગ્રામજનોમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ભારે વાહનોના કારણે ગામના અંતરિયાળ રસ્તાઓ તૂટીને બિસ્માર બની ગયા છે, જેનાથી રસ્તા પરથી પસાર થતા સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ

આ મુદ્દે અગાઉ પણ ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને વાહનો રોકવા બાબતે માથાકૂટના બનાવો બન્યા હતા. તેમ છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોનો આરોપ છે કે સંબંધિત તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે વાહનચાલકોની દાદાગીરી વધી રહી છે અને સમસ્યા દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહી છે.

હવે ગ્રામજનો એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્ર દ્વારા નાની રાસલી ગામની આ ગંભીર સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવવામાં આવશે? બેફામ દોડતા ભારે વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે કે પછી ગ્રામજનોને આમ જ હાલાકી ભોગવવી પડશે?