છોટા ઉદેપુર : કવાંટમાં બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું, 200 જેટલા ગેરકાયદે દબાણો જમીનદોસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Kawant Demolition Drive: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા અને રસ્તા પર વધી ગયેલા અતિક્રમણને દૂર કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલિશન ઝુંબેશ સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. મામલતદાર કચેરીથી લઈને નસવાડી અને બોડેલી રોડ સુધીના મુખ્ય માર્ગો પર તંત્રના બુલડોઝરે 200 જેટલા કાચા-પાકા દબાણો, શેડ અને કાયમી કેબિનો હટાવી રસ્તા ખુલ્લા કર્યા હતા.
સ્થાનિકો સાથે બોલાચાલી, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
મળતી માહિતી મુજબ, લાંબા સમયથી રસ્તાના માર્જિન પર ઊભા કરાયેલા દબાણોને કારણે કવાંટ નગરમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેને પગલે મામલતદાર કચેરી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા JCB અને ક્રેનની મદદથી દબાણો દૂર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડિમોલિશનની કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિક રહીશો અને વેપારીઓ તથા તંત્રના અધિકારીઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, સ્થળ પર હાજર પોલીસ કાફલાએ તુરંત મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તંત્રની કડક વલણ જોઈને કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો બહારના વધારાના શેડ અને દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવાનું પણ શરૂ કરી દીધું હતું.
નગર સંપૂર્ણ દબાણમુક્ત ન થાય ત્યાં સુધી ઝુંબેશ રહેશે ચાલુ
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, કવાંટ નગરને સંપૂર્ણપણે દબાણમુક્ત કરવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી રસ્તાઓ પોહળા થશે અને ટ્રાફિકમાંથી લોકોને રાહત મળશે, પરંતુ સામે પક્ષે નાના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.









