છોટા ઉદેપુરમાં પાણી મહુડામાં ક્રેનની અડફેટે બાઈકચાલકનું મોત: પરિવારને સહાયની માંગ સાથે ગ્રામજનોનો ભારે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાણી મહુડા ગામ નજીક પાણી પુરવઠા બોર્ડની કામગીરીમાં વપરાતી ક્રેનની ચિંતિત અડફેટે એક બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે હજારોની સંખ્યામાં સ્થાનિકો દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોને તાત્કાલિક વળતર અને સહાય ચૂકવવાની માંગ સાથે મોડી રાત સુધી મૃતદેહ ન સ્વીકારતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી.
કામગીરી પૂર્ણ કરી પરત ફરતી ક્રેને બાઈકને ટક્કર મારી
પ્રાપ્ત વિગતો અનુસાર, બોડેલીથી આવેલી ક્રેન પાણી પુરવઠા બોર્ડની ‘કુપા પાણી પુરવઠા યોજના’ હેઠળ પાઇપલાઇન રિપેરિંગ અર્થે નસવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ હતી. કામગીરી આટોપીને પરત ફરી રહેલી ક્રેને પાણી મહુડા ગામ પાસે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક મનોજ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.
અકસ્માતના સમાચાર પ્રસરતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ક્રેનચાલકની બેદરકારીનો આક્ષેપ કરીને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિવારે સ્પષ્ટ શરત મૂકી હતી કે પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટર સ્થળ પર આવીને યોગ્ય વળતરની ખાતરી ન આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.
પોલીસ કાફલો સ્થળ પર તહેનાત થયો હતો
ઘટના અંગે જાણ થતાં જ નસવાડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે તંગ બનેલી પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનોને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ ભારે વાહનોની અવરજવર સમયે ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષાના યોગ્ય પગલાં લેવાની પણ કડક માંગ કરી છે. હાલ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.




