છોટા ઉદેપુર: ઘઉંના લોટના કોથળાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી આઇસર ઝડપાઈ, બે શખસોની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધની પ્રવૃત્તિઓ પર સકંજો કસવામાં આવ્યો છે. બાતમીના આધારે LCB પોલીસે હાથ ધરેલી સફળ ઓપરેશનમાં ઘઉંના લોટના કોથળાની આડમાં છુપાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતું એક આઇસર ઝડપાઈ ગયું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂના મોટા જથ્થા સાથે બે શખોસોને ઝડપી પાડ્યા છે અને કુલ 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘઉંના લોટના કોથળા નીચે છુપાવ્યો હતો વિદેશી દારૂ
મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર LCB પોલીસ ટીમ પેટ્રોલિંગ અને વોચમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે એક આઇસરમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ આઇસર વાહનને અટકાવીને તલાશી લીધી હતી. વાહનની અંદર તપાસ કરતા પ્રાથમિક નજરે ઘઉંના લોટના કોથળા ભરેલા જોવા મળ્યા હતા, પરંતુ જ્યારે લોટના કોથળા હટાવીને તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોથળાની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી.
પોલીસ દ્વારા વાહનની સઘન તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 4,070 નંગ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ વિદેશી દારૂની કિંમત અંદાજે 10,52,410 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂનો આ જથ્થો, આઇસર વાહન અને અન્ય સાધનો મળીને કુલ 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેનું નેટવર્ક શોધવા માટે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.




