છોટા ઉદેપુર: નસવાડીના ધોડીસીમેલમાં 7,000 હેક્ટર જમીન જળમગ્ન, તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ખેડૂતોનો આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: નસવાડી તાલુકાના ધોડીસીમેલ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આશરે 7,000 હેક્ટર જેટલી જમીનમાં પાણી ભરાઈ જતાં કપાસ અને મકાઈ સહિતનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. વાવણી, ખાતર અને નિંદામણ પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડતાં સ્થાનિક ખેડૂતો દેવાદાર બની પાયમાલ થવાની સ્થિતિમાં મુકાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધરી જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલ્યો છે.
કાસના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયોનો આક્ષેપ
આક્રોશિત ખેડૂતોનો આક્ષેપ છે કે, તાલુકા પંચાયત દ્વારા બે વર્ષ પહેલાં મનરેગા યોજના હેઠળ 50 લાખ રૂપિયાના ખર્ચે વરસાદી કાસ (નાળું) બનાવવામાં આવી હતી. પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ કાસમાં પાણીનો નિકાલ થવાને બદલે ખેતરોમાં જ ભરાઈ રહે છે. અધિકારીઓની બેદરકારીને કારણે માત્ર કાગળ પર લાખો રૂપિયા વપરાઈ ગયા હોવાનો આક્ષેપ કરીને ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમજ આ કાસના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની ઊંડાણપૂર્વક તપાસ કરી નાણાંની રિકવરી કરવાની માગ કરી છે.
આ ઉપરાંત, નેશનલ હાઈવે 56ના નિર્માણ દરમિયાન રોડનું લેવલ ઊંચું કરી દેવાતાં અને મટીરિયલ નાખીને પાણીના કુદરતી નિકાલના માર્ગો પુરી દેવાતાં આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ વધુ વણસી છે. હાલ સ્થિતિ એ છે કે ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી અંદર જવું પણ અશક્ય બન્યું છે. તંત્ર દ્વારા સર્વે કરી રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલી દેવાયો છે, પરંતુ ખેડૂતોને વળતર ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે. નાણાકીય ભીંસ અને ખેતરોમાં જમા થયેલાં પાણીના કારણે ખેડૂતો ફરી વાવણી પણ કરી શકે તેમ ન હોવાથી વહેલી તકે સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની માંગ ઉઠી છે.









