Business

સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ

By GS TEAM
17 Jun 20251 min read
સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ

મુંબઈ : કમર્શિયલ બેંકોમાં બચત ખાતાઓમાં મહિલાઓની નાણા બચતનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૧૯ના ૨૩ ટકાની તુલનાએ નાણઆ વર્ષ ૨૦૨૫માં વધીને ૨૯ ટકા થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જારી કરેલા આંકડામાં દર્શાવાયું છે. ૩૧, માર્ચ ૨૦૨૫ મુજબ બચત બેંક ખાતાઓમાં રૂ.૨૦ લાખ કરોડ જેટલું નાણું પડયું છે, જે વર્ષ ૨૦૧૯ના રૂ.૯.૪ લાખ કરોડની તુલનાએ લગભગ બમણાથી વધારે છે.

આ સાથે ઘરગથ્થુ ખર્ચાની જાળવણી માટે યુપીઆઈ તરફ વળવાનો ટ્રેન્ડ વધતા બચત ખાતાઓમાં નાણામાં વૃદ્વિ થવા ઉપરાંત મહિલાઓને કેન્દ્રમાં રાખીને રાજય સરકારો દ્વારા સ્કિમોના અમલીકરણને કારણે પણ બેંક ખાતાઓમાં સીધા નાણા જમાં થવાનું પ્રમાણ વધતાં બચત ખાતાઓમાં મહિલાઓનો હિસ્સો વધ્યો છે.

ઘણી રાજય સરકારોએ મહિલા સશક્તિકરણને ટેકો આપવા સ્કિમો ઓફર કરી છે. જેમાં મુખ્યમંત્રી-માજીહ લાડકી બહિન યોજના (મહારાષ્ટ્ર), મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (ગુજરાત) અને અસંગઠિત કર્મકાર સિલાઈ મશીન સહાયતા યોજના (છત્તીસગઢ) સહિતનો સમાવેશ છે.

બેંકરોનું કહેવું છે કે, યુટીલિટી બિલો, પર્સનલ લોનો પર ઈએમઆઈ અને કન્ઝયુમર ડયુરેબલ્સની ખરીદી જેવી ચૂકવણીઓ યુપીઆઈનો ઉપયોગ કરીને બેંકિંગ સિસ્ટમ થકી વધતા અને ઈન્ટરનેટ બેંકિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારાથી બેંકોના બચત ખાતાઓમાં નાણા જાળવવાનું પ્રમાણ વધ્યું છે.