Business

AIનો ફૂગ્ગો ફૂટશે? RBI એ શેરબજાર અંગે ઉચ્ચારી ચેતવણી, રોકાણકારો થઈ જાય સાવધાન

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા AIને કારણે વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અંગે ચેતવણી અપાઈ છે. RBIના ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (FSR) મુજબ, AI શેરોના ઓવર-વેલ્યુએશન અને કોર્પોરેટ કમાણીના પુનઃમૂલ્યાંકનથી ભારતીય શેરબજાર પર પણ નકારાત્મક અસર પડી શકે છે. સાઉથ કોરિયા જેવા દેશોમાં AI શેરોમાં ઘટાડાને કારણે લોઅર સર્કિટ લાગી હતી, જે વૈશ્વિક જોખમ સૂચવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIનો ફૂગ્ગો ફૂટશે? RBI એ શેરબજાર અંગે ઉચ્ચારી ચેતવણી, રોકાણકારો થઈ જાય સાવધાન

RBI warning on AI: ગ્લોબલ માર્કેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે સર્જાયેલી ભારે ઉથલપાથલ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારમાં કોર્પોરેટ કમાણીના પુનઃમૂલ્યાંકન અને AI સંબંધિત શેરોના ઓવર-વેલ્યુએશનને કારણે જે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી શકે છે.
RBIએ તેના ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (FSR)માં સ્પષ્ટ કર્યું છે કે AI સંબંધિત રોકાણો હવે માત્ર ટેક સેક્ટર પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તે બોન્ડ માર્કેટ સહિત અન્ય કેપિટલ માર્કેટ્સમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે. તાજેતરમાં જ સાઉથ કોરિયા, તાઇવાન અને જાપાન જેવા દેશોના બજારોમાં AI શેરોમાં ભારે અસ્થિરતા અને ઉતાર-ચઢાવ નોંધાયો છે.

મુઠ્ઠીભર કંપનીઓ પર નિર્ભરતા અને અમેરિકન બજારમાં કડાકાનું જોખમ

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે શેરબજારમાં જોવા મળી રહેલી તેજીનો મોટો આધાર વ્યાપક મજબૂતીને બદલે માત્ર AI સાથે જોડાયેલી અમુક ચોક્કસ કંપનીઓ પર જ રહ્યો છે. આ પરિસ્થિતિ નાણાકીય અસ્થિરતાનું એક મોટું કારણ બની રહી છે. જો આ કંપનીઓમાં મોટા પાયે વેચવાલી શરૂ થાય, તો અમેરિકાના સમગ્ર શેરબજારમાં મોટો કડાકો આવી શકે છે. અમેરિકન માર્કેટમાં થનારો આ ઘટાડો તેની કમાણી અને સેન્ટિમેન્ટની અસરના માધ્યમથી ભારત સહિત દુનિયાના અન્ય દેશોના બજારોને પણ પોતાની લપેટમાં લઈ શકે છે.

બેંકો અને લોન આપતી કંપનીઓ પર વધશે આર્થિક દબાણ

ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેકનોલોજી કંપનીઓ અત્યારે કમાણી ઓછી હોવા છતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ પાણીની જેમ પૈસા વાપરી રહી છે. આ અંધાધૂંધ ખર્ચને પહોંચી વળવા માટે તેમણે છેલ્લા બે વર્ષમાં બજારમાંથી બહુ મોટી લોન લીધી છે અને આ દેવું હજુ પણ વધી રહ્યું છે. હવે જો ભવિષ્યમાં AI ફ્લોપ જાય અથવા તેની કિંમતો ઘટી જાય, તો આ કંપનીઓ ડૂબી શકે છે. જો આવું થાય, તો તેમને અબજો રૂપિયાનું ધિરાણ આપનારી બેંકો અને ફાયનાન્સ કંપનીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જશે, જેના લીધે આખી દુનિયાની આર્થિક વ્યવસ્થા પર મોટું જોખમ આવી શકે છે.

ઐતિહાસિક સ્તરે પહોંચેલું વેલ્યુએશન અને સાઉથ કોરિયામાં લોઅર સર્કિટ

અમેરિકન ઇક્વિટી માર્કેટમાં વેલ્યુએશનના તમામ માપદંડો હાલમાં તેની ઐતિહાસિક મર્યાદાના સર્વોચ્ચ સ્તર પર છે. અમેરિકન બજારમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ એટલો વધ્યો છે કે માર્ચ 2020માં જે વિદેશી રોકાણ 7.5 ટ્રિલિયન ડોલર હતું, તે માર્ચ 2026માં વધીને 21 ટ્રિલિયન ડોલરના આંકડે પહોંચી ગયું છે. જોકે, આ આશાવાદ વચ્ચે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. AI બબલ ફાટવાના ડરને કારણે તાજેતરમાં જ સાઉથ કોરિયાના શેરબજારમાં 10%નો મોટો કડાકો બોલાઈ ગયો હતો, જેના લીધે ત્યાં લોઅર સર્કિટ લગાવીને ટ્રેડિંગ રોકવું પડ્યું હતું. આ વૈશ્વિક ગભરાટની અસર રૂપે ભારતીય બજાર સહિત અન્ય એશિયન બજારોમાં પણ ગાબડાં જોવા મળ્યાં છે.