Business

પેટ્રોલ-ડીઝલ, ગેસ મોંઘા થશે? હોર્મુઝ સંકટથી ભારતનો તેલ-ગેસ આયાત ખર્ચ ₹1.8 લાખ કરોડ વધ્યો

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝ સંકટને કારણે ભારતના તેલ-ગેસ આયાત ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. માર્ચથી ઓગસ્ટ 2026 વચ્ચે ભારતે આશરે $22 બિલિયન (રૂ. 1.8 લાખ કરોડ)નો વધારાનો ખર્ચ કર્યો છે. CREAના અહેવાલ મુજબ, ચીન પછી આ વિશ્વનો બીજો સૌથી મોટો વધારાનો ખર્ચ છે, જે દેશની GDPના 0.38% જેટલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ-ડીઝલ, ગેસ મોંઘા થશે? હોર્મુઝ સંકટથી ભારતનો તેલ-ગેસ આયાત ખર્ચ ₹1.8 લાખ કરોડ વધ્યો

Hormuz Crisis Hits India Fuel Budget : હોર્મુઝ સંકટના કારણે ભારતના તેલ અને ગેસ આયાત ખર્ચમાં મોટો વધારો થયો છે. માર્ચથી ઓગસ્ટ 2026 વચ્ચે દરિયાઈ માર્ગે આવતા કાચા તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને LNG માટે ભારતે આશરે 22 અબજ ડૉલર એટલે કે લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડ્યો છે. CREAના અહેવાલ મુજબ, આ વધારાનો આયાત ખર્ચ ચીન પછી વિશ્વના કોઈપણ એક દેશ દ્વારા કરાયેલો બીજો સૌથી મોટો ખર્ચ છે.

ભારત પર આર્થિક બોજ અને GDP પર અસર

CREAના અહેવાલ અનુસાર તમામ ફૉસિલ ફ્યૂલને ગણીએ તો ભારતનો ચોખ્ખો વધારાનો ખર્ચ 14.4 અબજ ડૉલર રહ્યો છે. આ રકમ દેશની જીડીપીના આશરે 0.38% એટલે કે લગભગ 1.4 દિવસની રાષ્ટ્રીય આવક જેટલી થાય છે. આ સમયગાળા દરમિયાન માત્ર કાચા તેલ પાછળ થયેલો ચોખ્ખો વધારાનો ખર્ચ 20.5 અબજ ડૉલર રહ્યો હતો.

વિશ્વભરના દેશોએ 330 અબજ ડૉલર વધુ ચૂકવ્યા

હોર્મુઝ સંકટના 6 મહિનામાં વિશ્વભરના ફૉસિલ ફ્યૂલ ખરીદનારા દેશોએ કુલ મળીને આશરે 330 અબજ ડૉલરનો વધારાનો ખર્ચ કર્યો હતો. જેમાં કાચા તેલનો હિસ્સો 164.1 અબજ ડૉલર, ડીઝલ અને ગેસોઈલ પર 73.8 અબજ ડૉલર, પેટ્રોલ પર 35.7 અબજ ડૉલર અને LNG પર 38 અબજ ડૉલરનો વધારાનો બોજ સામેલ છે. સંકટ બાદ બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ જૂના અંદાજ કરતાં 35% વધુ એટલે કે બેરલ દીઠ 93 ડૉલર રહ્યો હતો અને 23 જુલાઈએ તે 105 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન ડીઝલના ભાવ પણ અગાઉના અંદાજ કરતાં સરેરાશ 59% વધારે રહ્યા હતા.

LPG આયાતમાં મોટો ઘટાડો અને ખર્ચમાં વધારો

ભારતે માર્ચથી ઓગસ્ટ દરમિયાન આયાત કરેલા એલપીજી માટે અગાઉના અંદાજ કરતાં આશરે 29% વધુ કિંમત ચૂકવવી પડી હતી. આ સમયગાળામાં એલપીજી આયાતનું પ્રમાણ લગભગ 26% ઓછું રહ્યું હતું. છેલ્લા 6 મહિનાનું કુલ એલપીજી આયાત બિલ 4.7 અબજ ડૉલર રહ્યું, જેમાં સંકટના કારણે થયેલો વધારાનો ખર્ચ આશરે 1.1 અબજ ડૉલર હતો. માર્ચ મહિનામાં ભારતની એલપીજી આયાત પાછલા બે વર્ષની સરેરાશથી 49% ઘટી ગઈ હતી, જ્યારે અમેરિકન એલપીજીનો હિસ્સો ફેબ્રુઆરીના 8%થી વધીને એપ્રિલમાં 32% થઈ ગયો હતો.

ક્લીન એનર્જીથી મોટી બચત અને સામાન્ય જનતા પર અસર

વર્ષ 2020 પછી વધેલી સ્વચ્છ વીજળી ક્ષમતાએ સંકટના શરૂઆતના 5 મહિનામાં આયાતકાર દેશોને કોલસા, ગેસ અને તેલ આયાતના આશરે 36 અબજ ડૉલર બચાવવામાં મદદ કરી છે, જેમાં ભારત પણ મહત્વપૂર્ણ બચત કરનારા દેશોમાં સામેલ છે. જોકે આયાત ખર્ચ વધવાનો સીધો અર્થ એવો નથી કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજીના છૂટક ભાવમાં તાત્કાલિક તેટલો જ વધારો થઈ જશે, કારણ કે છૂટક કિંમતો પર સરકારી ટેક્સ, સબસિડી અને અન્ય પરિબળોની પણ સીધી અસર રહે છે.