Business

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે

By GS TEAM
27 Aug 20252 mins read
હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે

મુંબઈ : દેશમાં ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવાના ભાગરૂપ છેલ્લા કેટલાક સમયથી લાગુ કરાયેલી ઘઉંની સ્ટોક લિમિટને કેન્દ્ર સરકારે મંગળવારે વધુ મજબૂત બનાવી હતી. હોલસેલરો, રિટેલરો, મોટી રિટેલ ચેઈન તથા પ્રોસેસરો માટેની સ્ટોક લિમિટમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવું ધોરણ ૩૧મી માર્ચ, ૨૦૨૬ સુધી લાગુ રહેશે એમ એક સરકારી યાદીમાં જણાવાયું હતું. 

આગામી તહેવારોની મોસમ દરમિયાન દેશમાં ઘઉંની સંગ્રહખોરી દ્વારા ભાવમાં કૃત્રિમ વધારો થતો અટકાવવા આ નિર્ણય આવી પડયો હોવાનું અન્ન મંત્રાલયની એક યાદીમાં જણાવાયું હતું. 

નવા ધોરણ પ્રમાણે હોલસેલરો માટે સ્ટોક મર્યાદા જે ૩૦૦૦ ટન હતી તે ઘટાડી ૨૦૦૦ ટન કરાઈ છે જ્યારે રિટેલરો પોતાના દરેક આઉટલેટસ માટે ૧૦ ટનને બદલે ૮ ટન ઘઉંનો સ્ટોક જાળવી શકશે. 

પ્રોસેસરો તેમની સ્થાપિત ક્ષમતાના ૭૦ ટકાને બદલે ૬૦ ટકા ગુણ્યા વર્તમાન નાણાં વર્ષના બાકી રહેલા મહિનાનો જે આંક આવે તેટલો સ્ટોક રાખી શકશે. વર્તમાન વર્ષમાં સરકારે સ્ટોક લિમિટમાં  અગાઉ બે વખત ફેરબદલ કર્યો હતો. 

ફેબુ્રઆરીમાં સ્ટોક લિમિટ ઘટાડયા બાદ મેમાં તેને હળવી કરવામાં આવી હતી. ઘઉંનો સ્ટોકિસ્ટોએ દર શુક્રવારે તેમના સ્ટોકની સ્થિતિ સરકારી પોર્ટલ પર જાહેર કરવાની રહેશે એમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે. સ્ટોકની જાણકારી નહીં આપનારા અથવા સ્ટોક લિમિટનો ભંગ કરનારા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

ક્રોપ યર ૨૦૨૪-૨૫માં દેશમાં ઘઉનું ઉત્પાદન ૧૧.૭૫ કરોડ ટન રહ્યું હતું. ૨૦૨૫-૨૬ના માર્કેટિંગ યરમાં સરકારે ૩.૦૩ કરોડ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી હતી.