Business

ક્યારે સસ્તાં થશે પેટ્રોલ-ડીઝલ? ભારે ઉથલપાથલ વચ્ચે 7 દેશોએ મળીને લીધો મોટો નિર્ણય!

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
મિડલ ઇસ્ટમાં તણાવ ઘટતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર ઓઇલ ટેન્કરોની અવરજવર સામાન્ય થઈ છે. અમેરિકા-ઈરાન શાંતિ વાર્તાના સકારાત્મક સંકેતોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 71 ડોલર, WTI 68 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું. OPEC+ના 7 દેશોએ આવતા મહિનાથી દરરોજ 1.88 લાખ બેરલ વધારાનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્યારે સસ્તાં થશે પેટ્રોલ-ડીઝલ? ભારે ઉથલપાથલ વચ્ચે 7 દેશોએ મળીને લીધો મોટો નિર્ણય!
Image - IANS

Crude oil price drop 2026: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે લગભગ સમાપ્ત થઈ ગયો છે. દુનિયાભરમાં ઓઇલ અને ગેસની સપ્લાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પરથી ઓઇલ ટેન્કરોની અવરજવર ફરી સામાન્ય થઈ ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે ચાલી રહેલી વાતચીતના સકારાત્મક સંકેતોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 1 ટકા જેટલી ઘટીને 72 ડોલર પ્રતિ બેરલની નીચે એટલે કે 71 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. બીજી તરફ, WTI ક્રૂડ ઓઇલ પણ ઘટીને 68 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. સપ્લાય ચેઇન સુધરતાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટન સહિતના દેશોને મોટી રાહત મળી છે.

OPEC+ના 7 દેશો આવ્યા સાથે, ઓઇલનું ઉત્પાદન વધારવાનો લીધો નિર્ણય

ક્રૂડ ઓઇલની ઘટતી કિંમતો વચ્ચે અત્યાર સુધી પરસ્પર મતભેદો ધરાવતા OPEC+ (ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) દેશોએ એક થઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયા અને રશિયાની આગેવાની હેઠળ ઈરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જીરિયા અને ઓમાન જેવા 7 દેશોએ આવતા મહિનાથી ઓઇલનું ઉત્પાદન વધારવાની મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણય હેઠળ બજારમાં દરરોજ 1.88 લાખ બેરલ વધારાનું ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરવામાં આવશે. સતત પાંચમા મહિને ઉત્પાદન વધારવા પર સહમતિ બની છે, જેનાથી આગામી સમયમાં વૈશ્વિક બજારમાં ઓઇલની કોઈ અછત નહીં રહે. OPEC+ દેશોએ જણાવ્યું છે કે તેઓ ઓઇલ બજારની સ્થિરતા જાળવી રાખવા માટે સતર્ક દ્રષ્ટિકોણ અપનાવવાનું ચાલુ રાખશે.

શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે?

જો ઓઇલ ઉત્પાદક દેશોના નિર્ણય મુજબ બજારમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ હજુ પણ વધુ નીચે આવી શકે છે. ભારત પોતાની જરૂરિયાતના મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી જો ક્રૂડ ઓઇલ સસ્તું થશે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ની પડતર કિંમત ઓછી થશે. આનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશા ઘણી વધી ગઈ છે. જોકે, ભાવ ક્યારે અને કેટલા ઘટશે તે ક્રૂડ ઓઇલની કિંમતો લાંબા સમય સુધી નીચી રહેવા ઉપરાંત ડોલર સામે રૂપિયાની સ્થિતિ, રિફાઇનિંગ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તેમજ રાજ્યોના વેટ (VAT) જેવા પરિબળો પર પણ આધાર રાખશે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યા સંકેતો

મિડલ ઇસ્ટ સંકટ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓને થયેલા નુકસાનને કારણે ભારતમાં ચાર વર્ષ બાદ તાજેતરમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર વખતમાં આશરે 7 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. હવે સ્થિતિ સામાન્ય થતાં દેશના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કિંમતોમાં ઘટાડો કરવા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓઇલ કંપનીઓ પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે તે બેથી અઢી મહિના પહેલાં મોંઘા ભાવે ખરીદવામાં આવ્યો હતો. જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો વર્તમાન સ્તર પર જ જળવાઈ રહેશે, તો આગામી સમયમાં ભાવ ઘટાડા અંગે સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જશે.