Business

ક્લોઝિંગ ઓક્શન સેશનમાં ગેરરીતિ કરનાર સામે ત્વરિત કાર્યવાહીની ચેતવણી

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં FICCI કેપિટલ માર્કેટ કોન્ફરન્સમાં સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેએ બજારના સહભાગીઓને ચેતવણી આપી છે. તેમણે નવા ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)માં ભાવની હેરાફેરી ન કરવા જણાવ્યું છે. સેબી ચેરમેને કહ્યું કે નવા મિકેનિઝમથી અસામાન્ય ટ્રેડિંગ ઓળખવું સરળ બન્યું છે અને કોઈપણ ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરાશે. CASનો ઉદ્દેશ ક્લોઝિંગ ભાવની પારદર્શક ગણતરી કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્લોઝિંગ ઓક્શન સેશનમાં ગેરરીતિ કરનાર સામે ત્વરિત કાર્યવાહીની ચેતવણી

નવા મિકેનિઝમ સાથે સેબી પાસે અસામાન્ય ટ્રેડિંગ વર્તણૂકને ઓળખવા માટે વધુ સારા સાધનો ઉપલબ્ધ છે : સેબી ચેરમેન
મુંબઈ : શેર બજારોમાં તાજેતરમાં દાખલ કરાયેલ નવા ક્લોઝિંગ ઓક્શન સેશન (સીએએસ)ની સફળતાની આડે આવનારા કથિત વર્ગ પર રેગ્યુલેટરી તવાઈ આવવાના સંકેત છે. મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન તુહિન કાંતા પાંડેએ માર્કેટ પાર્ટિસિપન્ટસને નવા ક્લોઝિંગ ઓક્શન સેશનમાં ભાવની હેરાફેરી કરવાનો પ્રયાસ ન કરવા ચેતવણી આપી છે અને કડક શબ્દોમાં સીએએસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે સેબી કડક અને ત્વરિત કાર્યવાહી કરશે એવું જણાવ્યું છે.
મુંબઈમાં આજે યોજાયેલી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (ફિક્કી)ની કેપિટલ માર્કેટ કોન્ફરન્સની સાથે સાથે સેબી ચેરમેને જણાવ્યું હતું કે, અગાઉ અમલમાં રહેલી વીડબલ્યુએપી આધારિત વ્યવસ્થાની સરખામણીએ નવા ક્લોઝિંગ પ્રાઈસ મિકિનિઝમ હેઠળ શંકાસ્પદ ટ્રેડિંગ પ્રવૃતિઓને ઓળખવી સેબી માટે વધુ સરળ છે. નવા મિકેનિઝમ સાથે સેબી પાસે અસામાન્ય ટ્રેડિંગ વર્તણૂકને ઓળખવા માટે વધુ સારા સાધનો ઉપલબ્ધ છે. બજારના સહભાગીઓ દ્વારા સીએએસને જાણીજોઈને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે અને તેના કારણે બજારની વિશ્વસનીયતા પર અસર થાય, તો તેને ગંભીરતાથી લેવામાં આવશે.
સીએએસનો મુખ્ય ઉદ્દેશ શેરના ક્લોઝિંગ ભાવની પારદર્શકતા અને વધુ વિશ્વસનીય રીતે ગણતરી કરવી છે. આ મહિનાની શરૂઆતમાં અમલમાં આવેલા સીએએસ હેઠળ નિયમિત ટ્રેડિંગ પૂર્ણ થયા બાદ અલગથી ૨૦ મિનિટનું ઓકશન સેશન યોજાય છે. આ દરમિયાન એક્સચેન્જ પર ખરીદી અને વેચાણના ઓર્ડર એકત્ર કરવામાં આવે છે અને જે ભાવ પર મહત્તમ સંભવિત પ્રમાણમાં સોદા થઈ શકે તે ભાવને ક્લોઝિંગ પ્રાઈસ નક્કી કરવામાં આવે છે.
આ નવી વ્યવસ્થાએ અગાઉની પદ્વતિનું સ્થાન લીધું છે. અગાઉ શેરનો ક્લોઝિંગ ભાવ બજારના નિયમિત ટ્રેડિંગના અંતિમ ૩૦ મિનિટ દરમિયાન થયેલા સોદાના વોલ્યુમ વેઈટેજ એવરેજ પ્રાઈસ (વીડબલ્યુએપી)ના આધારે નક્કી કરવામાં આવતો હતો. નવી પદ્વતિનો હેતુ ક્લોઝિંગ ભાવ નક્કી કરવામાં પારદર્શિતા વધારવા અને મોટા ઓર્ડરના અમલને વધુ અસરકારક બનાવવાનો છે. જો કે, નવી વ્યવસ્થાને લઈને બજારના કેટલાક પાર્ટિસિપન્ટસ-સહભાગીઓમાં ઓછા સહભાગી થવાના પ્રમાણ અને સંભવિત નુકશાન અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.