Get The App

વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
Vodafone Idea Relief Package


(IMAGE - IANS)

Vodafone Idea Relief Package: આર્થિક સંકટમાં ફસાયેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા(Vi) માટે કેન્દ્ર સરકારે આજે વર્ષના અંતિમ દિવસે રાહતના સમાચાર આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એક ખાસ રાહત પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ હેઠળ, કંપનીએ સરકારને ચૂકવવાના થતા ₹87,695 કરોડના AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ)ના બાકી લેણાંને હાલ પૂરતા 'ફ્રીઝ' કરી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ટેલિકોમ માર્કેટમાં હરીફાઈ ટકાવી રાખવાનો અને વોડાફોન-આઈડિયામાં રહેલી સરકારની 49% હિસ્સેદારીની કિંમતને સુરક્ષિત કરવાનો છે.

પેમેન્ટ શેડ્યૂલ: 2032થી 2041 વચ્ચે થશે દેવાની ચૂકવણી

કેબિનેટના નિર્ણય મુજબ, કંપનીએ હવે આ રકમ તાત્કાલિક ચૂકવવાની જરૂર રહેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચુકવણી માટે કંપનીને 10 વર્ષ લાંબો સમયગાળો આપવામાં આવ્યો છે. એટલે કે, Vi એ હવે આ રકમ નાણાકીય વર્ષ 2032થી 2041 ની વચ્ચે ચૂકવવાની રહેશે.

શેરબજારમાં કડાકો: રોકાણકારોમાં નિરાશા

સરકાર તરફથી રાહતની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, શેરબજારમાં વોડાફોન-આઈડિયા (Vi)ના શેર પર ભારે દબાણ જોવા મળ્યું હતું. આ મહત્ત્વના સમાચાર બાદ કંપનીનો શેર 11.5%ના મસમોટા કડાકા સાથે ₹10.67 પર બંધ થયો હતો. જોકે, છેલ્લા એક વર્ષમાં કંપનીએ તેના રોકાણકારોને 34% જેટલું પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને હાલમાં કંપનીની માર્કેટ વેલ્યુ ₹1.17 લાખ કરોડ જેટલી છે, પરંતુ આજના આચનક આવેલા ઘટાડાએ રોકાણકારોમાં ચિંતા જગાવી છે.

AGR સંકટ ટળ્યું

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 5 વર્ષની પેમેન્ટ છૂટ (મોરેટોરિયમ) ને કારણે હવે Vi એ આગામી પાંચ વર્ષ સુધી AGR ના દેવા પેટે કોઈ મોટા હપ્તા ભરવા નહીં પડે. નિષ્ણાતોના મતે, આ રાહત પેકેજ કંપની માટે સંજીવની સમાન છે, કારણ કે તેના વગર ભારતમાંથી કંપનીનો કારોબાર સમેટાઈ જવાની પૂરી શક્યતા હતી.

શું છે આ AGR?

AGR એટલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ. ટેલિકોમ કંપનીઓ જે પણ કમાણી કરે છે, તેનો એક નિશ્ચિત હિસ્સો સરકારને લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુઝ ચાર્જ (SUC) તરીકે આપવો પડે છે. લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે સરકારને આ ગણતરી પર પુનર્વિચાર કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: Explainer: જાપાનને પછાડી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, પરંતુ આમ આદમી તો ઠેરના ઠેર

સરકાર પોતે છે સૌથી મોટી હિસ્સેદાર

નોંધનીય છે કે ભારત સરકાર પોતે વોડાફોન-આઈડિયામાં આશરે 49% હિસ્સો ધરાવે છે. અગાઉ સ્પેક્ટ્રમ અને વ્યાજના દેવાને ઈક્વિટીમાં ફેરવ્યા બાદ સરકાર સૌથી મોટી શેરહોલ્ડર બની હતી. સરકારનું માનવું છે કે દેશમાં જીઓ અને એરટેલનું એકહથ્થુ શાસન રોકવા માટે ત્રીજી મોટી કંપની તરીકે Viનું અસ્તિત્વ હોવું જરૂરી છે.

હવે શું કરશે Vi?

દેવાની ચુકવણીમાં મોટી રાહત મળ્યા બાદ, હવે વોડાફોન-આઈડિયા (Vi)નું સંપૂર્ણ ધ્યાન પોતાના વ્યવસાયિક વિસ્તરણ અને સેવાઓમાં સુધારો કરવા પર કેન્દ્રિત રહેશે. કંપની હવે ભારતમાં તેની 5G સેવાઓ ઝડપથી લોન્ચ કરવા માટે સક્રિય બનશે, જેનાથી તે હરીફ કંપનીઓ સામે સ્પર્ધામાં ટકી શકશે. આ ઉપરાંત, કંપની તેના વર્તમાન 4G નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધુ મજબૂત અને વ્યાપક બનાવશે જેથી ગ્રાહકોને સારી કનેક્ટિવિટી મળી શકે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, દેવાની ચુકવણી અંગે સરકારી સ્પષ્ટતા મળતા હવે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નવું રોકાણ અને લોન મેળવવી કંપની માટે ઘણી સરળ બનશે, જે તેના ભવિષ્યના વિકાસ માટે પાયાનું કામ કરશે.

વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે 2 - image