| (IMAGE - IANS) |
Crude oil price surge: અમેરિકા અને ઈરાન વચ્ચે જો ફરીથી મોટો વિવાદ કે યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી શકે છે. એનર્જી રિસર્ચ ફર્મ 'રિસ્ટાડ એનર્જી'ના રિપોર્ટ પ્રમાણે, આ ભાવ પ્રતિ બેરલ $150 (આશરે 12,500 રૂપિયાથી વધુ) સુધી પહોંચી જવાની આશંકા છે. બંને દેશો વચ્ચે અત્યારે એટલો બધો તણાવ વધી ગયો છે કે એપ્રિલ મહિનામાં થયેલી શાંતિ કે યુદ્ધવિરામની સમજૂતી પણ હવે તૂટવાના આરે છે. આ આંતરરાષ્ટ્રીય લડાઈની સીધી અસર ઓઇલના ભાવો પર પડી રહી છે અને તેના કારણે અમેરિકા સહિત દુનિયાભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આધુનિક ઇતિહાસનો સૌથી મોટો સપ્લાય કટોકટી
મિડલ ઈસ્ટના આ સંઘર્ષને કારણે ખાડી દેશોના 6 અગ્રણી ઓઇલ ઉત્પાદકોનું આશરે 11.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) ઓઇલ ઉત્પાદન હાલમાં ઠપ થઈ ગયું છે. આધુનિક ઊર્જા બજારના ઇતિહાસમાં ઓઇલ પુરવઠામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો અને ચિંતાજનક અવરોધ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આગામી થોડા દિવસો વૈશ્વિક બજાર માટે ખૂબ જ નાજુક સાબિત થશે. હાલમાં રાજદ્વારી રીતે આ વિવાદ ઉકેલાવાની શક્યતા અગાઉના 40%થી ઘટીને ઘણી ઓછી થઈ ગઈ છે, જેના કારણે ઓઇલના ભાવમાં ભારે અસ્થિરતા રહેશે.
બજારમાં ક્રૂડ ઓઇલની ભારે અછત અને વૈશ્વિક અસર
રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ, આ સંઘર્ષની શરૂઆત થયાના માત્ર ત્રણ મહિનાની અંદર જ વૈશ્વિક બજારમાંથી આશરે 1 અબજ (1 બિલિયન) બેરલ ક્રૂડ ઓઇલનો સપ્લાય ગાયબ થઈ ચૂક્યો છે. આ જથ્થો અમેરિકાના કુલ વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત કરતાં પણ અઢી ગણો વધારે છે. જો કે, ચીન દ્વારા ક્રૂડ ઓઇલની ઓછી આયાત અને સાઉદી અરેબિયાના યાન્બુ નિકાસ રૂટ દ્વારા થતા પરિવહનને કારણે આ આંચકાને થોડો અંશે અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જો તણાવ લાંબો ચાલશે તો સ્થિતિ બેકાબૂ બની શકે છે.
આ પણ વાંચો: સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના વર્તમાન ભાવ
આ વૈશ્વિક તણાવની સીધી અસર ગુરુવારે બજાર પર સ્પષ્ટ જોવા મળી હતી. ઇન્ટરનેશનલ ઓઇલ બેન્ચમાર્ક ગણાતું 'બ્રેન્ટ ક્રૂડ' 2%થી વધુ ઉછાળા સાથે પ્રતિ બેરલ $95ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે બીજી તરફ, અમેરિકાનું 'વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ' (WTI) ક્રૂડ પણ 4%ના તોતિંગ ઉછાળા સાથે પ્રતિ બેરલ $93.64 પર પહોંચી ગયું હતું. જો બંને દેશો વચ્ચે મંત્રણા સફળ નહીં થાય તો આગામી દિવસોમાં ઇંધણના ભાવ સામાન્ય નાગરિકોનું બજેટ પણ ખોરવી નાખશે.


