Get The App

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘું

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘું 1 - image

Market Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામ-સામે હુમલા શરૂ થતાં વિશ્વભરના બજારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ભલે પછી તે શેરબજાર હોય કે કોમોડિટી માર્કેટ કે પછી ઓઇલ માર્કેટ દરેક જગ્યાએ અસ્થિરતા જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી, કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી છે. 

સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો 

સેન્સેક્સની વાત કરીએ તો આજે બજાર ખુલતાંની સાથે જ 465 પોઇન્ટ જેટલો તૂટી ગયો છે. બુધવારે સેન્સેક્સનું ક્લૉઝિંગ 73,983.18 પોઇન્ટ રહ્યું હતું જે આજે સીધું 73,615.99 પોઇન્ટ પર ખુલ્યું હતું અને પછી તે એકાએક 73,518.75 ના તળિયે પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 142 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. બુધવારે નિફ્ટી 23,214.95 પર ક્લૉઝ થયો હતો જે આજે 23,104.40 પર ખુલ્યો હતો અને પછી ઘટાડા સાથે 23,072.05ના તળિયે પહોંચી ગયો હતો. જેના લીધો રોકાણકારોની મૂડીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 

સોના-ચાંદીની કિંમતોમાં પણ ભૂકંપ 

સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં સોનું ગઈકાલે 148017 રૂપિયાએ બંધ થયું હતું. જે આજે 146518 પર ખુલ્યુ હતું અને પછી ગગડીને 146444 રૂપિયાએ પહોંચી ગયું હતું જે દર્શાવે છે કે આજે સોનામાં બજાર ખુલતાં જ 1573 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો જે ગઈકાલે 235505 રૂપિયાના લેવલે બંધ થઈ હતી તે આજે 231671ની સપાટીએ ખુલી હતી. ત્યારે બાદ ગગડીને 230493 રૂપિયાએ પહોંચી ગઈ હતી. જે દર્શાવે છે કે આજે ચાંદીમાં 5012 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે પછીથી તેમાં રિકવરી આવતા ચાંદી સમાચાર લખવા સુધીમાં 233490 રૂપિયાએ ટ્રેડ થઈ રહી હતી. 

બ્રેન્ટ ક્રૂડમાં ભડકો, રૂપિયો કમજોર થયો 

બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દેખાઈ છે. ગઈકાલે જે ક્રૂડ ઓઇલ ફરી એકવાર 90 ડૉલરના લેવલ નજીક પહોંચી ગયુ હતું તે આજે ફરી એકવાર 95 ડૉલરની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 94.84 ડૉલરની કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે જે મોંઘવારી અને ઇંધણની કિંમત માટે સારા સંકેત નથી. બીજી બાજુ રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે રૂપિયો ડૉલરની સામે લગભગ 22 પૈસા સુધી કમજોર થયો છે અને હાલમાં એક ડૉલર સામે રૂપિયાએ 95.48ની સપાટી જાળવી રાખી છે. જે મોંઘવારી માટે મોટો ખતરો માની શકાય તેમ છે.