America-Venezuela Controversy : અમેરિકાએ વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી કરી રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ભારત સરકાર દ્વારા આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આર્થિક નિષ્ણાતોના મતે આ બદલાયેલી સ્થિતિની અસર ભારત પર પડી શકે છે. ભારતનું લાંબા સમયથી અટવાયેલું આશરે એક અબજ ડોલરનું લેણું વસૂલ થવાની અને રશિયા પાસેથી મોંઘા તેલની ખરીદીમાં ઘટાડો કરવાની તક ઊભી થઈ છે.
ભારતની મદદથી ONGCને તેલ ઉત્પાદન વધારવાની તક
ભારત અગાઉ વેનેઝુએલા પાસેથી દરરોજ ચાર લાખ બેરલથી વધુ કાચું તેલ આયાત કરતું હતું. જોકે, અમેરિકી પ્રતિબંધોને કારણે 2022થી આ ખરીદી બંધ થઈ ગઈ હતી. ભારતની સરકારી કંપની ઓએનજીસી વિદેશ લિમિટેડ (OVL) વેનેઝુએલાના 'સેન ક્રિસ્ટોબલ' ઓઈલ ફિલ્ડમાં ભાગીદારી ધરાવે છે, પરંતુ ટેકનોલોજી અને સાધનોના અભાવે ત્યાં ઉત્પાદન ઘટીને માત્ર 5થી 10 હજાર બેરલ થઈ ગયું હતું. હવે જો પ્રતિબંધો હળવા થાય, તો ભારત સાધનો મોકલી ઉત્પાદન ફરી વધારી શકશે.
આ પણ વાંચો : ટ્રમ્પે વેનેઝુએલામાં અફઘાનિસ્તાન જેવી ભૂલ કરી ? આ પાંચ પડકારો વધારશે અમેરિકાનું ટેન્શન
અબજો ડોલરનું અટવાયેલું લેણું પરત મળશે
વેનેઝુએલા વર્ષ 2014થી ઓએનજીસીને હિસ્સાનું 53 કરોડ ડોલરનું ડિવિડન્ડ ચૂકવ્યું નથી અને હજુ તેટલી જ રકમ ત્યારબાદની બાકી છે, જે કુલ મળીને આશરે એક અબજ ડોલર (અંદાજે 8300 કરોડ રૂપિયા) થાય છે. અત્યાર સુધી ઓડિટની મંજૂરી ન હોવાથી આ નાણાં ફસાયેલા હતા. હવે અમેરિકાના હસ્તક્ષેપ બાદ આ નાણા મળવાની આશા સેવાઈ છે.
રશિયા માટે મુશ્કેલી
ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદી રહ્યું છે, પરંતુ અમેરિકા સાથેના સંબંધો જાળવવા ભારત વલણ બદલી શકે છે. જો વેનેઝુએલાના તેલ ભંડારો પર અમેરિકાનું વર્ચસ્વ વધશે, તો ભારત રશિયાને બદલે વેનેઝુએલા પાસેથી સસ્તું તેલ ખરીદી શકે છે. આનાથી રશિયાના બજારને ફટકો પડી શકે છે.
આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ટેન્શનમાં, શરૂ કરી કાર્યવાહી


