Editorial

સંવત 2083નું રાશિફળ: શનિની સાડા સાતી અને પ્રતિકૂળ ગ્રહયોગો વચ્ચે મેષ રાશિના જાતકોએ રાખવી પડશે વિશેષ સાવચેતી

By GS Team
10 Nov 20267 mins read
સંવત 2083નું રાશિફળ: શનિની સાડા સાતી અને પ્રતિકૂળ ગ્રહયોગો વચ્ચે મેષ રાશિના જાતકોએ રાખવી પડશે વિશેષ સાવચેતી
  • માતા પિતાના આરોગ્ય, આયુષ્યની ચિંતા રહે. માતૃપક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય. ૨ જૂન સુધી મોસાળપક્ષ-સાસરીપક્ષની ચિંતા રહે…
  • તા. ૨ જૂનથી શનિની પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે માથામાંથી પસાર થશે તેથી નાણાંકીય બાબતોનું ધ્યાન રાખવું પડે

।।श्री गणेशाय नमः ।।
सरस्वत्यै नमः ।।
।। श्री नवदुर्गायै नमः।। श्री
यज्ञपुऱुषाय नमः ।।
।। श्री गुऱवे नमः ।।

પરમકૃપાળુ મા નવદુર્ગા અને શ્રી એકલિંગજી દાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૩નો પ્રારંભ કારતક સુદ એકમ મંગળવાર તા. ૧૦ નવેમ્બર ૨૦૨૬થી થાય છે. નવા વર્ષના ગ્રહયોગ અનુસાર રાશિફળ વિગતવાર જોતાં -
વર્ષ દરમ્યાન શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો લોખંડના પાયે ૨ જૂન સુધી રહે છે ત્યાર બાદ સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે જે સોનાના પાયે રહેશે. બન્ને તબક્કા આપના માટે નબળાં રહેશે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન સાનુકુળ પ્રતિકૂળ રહ્યા કરે. રાહુ મધ્યમ રહેશે. તેમજ અન્ય ગ્રહોની પરિસ્થિતિ જોતાં -
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહેશે. તા. ૨૬ જાન્યુઆરીથી તા. ૫ જૂન સુધી ગુરુ કર્ક રાશિમાં વક્રી થઇને પરિભ્રમણ કરી રહ્યો છે. જે આપના સ્વાસ્થ્ય માટે ચિંતા ઉભી કરાવે. આ સમય દરમ્યાન આંખોની તકલીફ જણાય. પીઠ, થાપાની, કીડનીની તકલીફ રહે. તે સિવાય છાતીમાં દર્દ-પીડા, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ જેવું લાગે તો તરત દાક્તરી સલાહ લઇ લેવી. જેમને પહેલેથી હૃદય સંબંધી તકલીફ હોય તેમમે વિશેષ સાવધાની રાખવી પડે. તેમાં પણ ૯ માર્ચથી ૨૬ એપ્રીલ સુધીનો સમય વધુ મુશ્કેલ રહે.
શનિની પનોતીના લીધે પણ આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. કોઇને કોઈ શારિરીક માનસિક તકલીફ આપને જણાય. તેમાં પણ જૂન માસથી શનિનું પરિભ્રમણ આપની રાશિમાં શરૂ થઇ રહ્યું છે, જે આપના માનસિક પરિતાપ વ્યગ્રતામાં વધારો કરે. વર્ષ દરમ્યાન આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં.
આર્થિક સુખ સંપત્તિ
વર્ષારંભથી તા. ૨ જૂન સુધી શનિ મીન રાશિમાંથી પસાર થઇ રહ્યો છે પનોતીનો પ્રથમ તબક્કો લોખંડના પાયે છે. જે આપની નાણાંકીય મુશ્કેલીમાં વધારો કરો. તેમાં પણ પોષ વદ બીજથી ગુરૂ વક્રી થઇને કર્ક રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરશે જે પણ આપના માટે નાણાંકીય મુશ્કેલી રખાવે. એક બાજુ આવક સ્થગીત થઇ ગઇ છે, આવકમાં વધારો નથી થઇ રહ્યો તેવું અનુભવો અને બીજી બાજુ મોંઘવારી વધવાને લીધે કે અન્ય કારણોસર જાવકનું પ્રમાણ વધતું જાય. આપે નાણાંભીડનો સામનો કરવો પડે. ખોટા ખર્ચાઓ, આકસ્મિક ખર્ચાઓને લીધે આપની નાણાંકીય સ્થિતિ કથળતી જાય. સામાજિક વ્યવહારિક વ્યવહારો સાચવવામાં આપને તકલીફ પડે. કોઇના લીધે આપે ઘસાવું પડે.
કોઇની દેખાદેખીમાં આવી જઇને વ્યાજે રૂપિયા લાવીને કે ઉછીના ઉધાર રૂપિયા લાવીને પ્રસંગ કરવા નહીં. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો આપના માટે હિતાવહ રહેશે. નવા કોઈ નાણાંકીય જોખમો વધારવા નહીં.
તા. ૨ જૂનથી શનિની પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે માથામાંથી પસાર થશે તેથી નાણાંકીય બાબતોનું આયોજન કરવામાં, રોકાણ કરવામાં, નિર્ણય કરવામાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળમાં, આવેશમાં આવી જઇને કે કોઇના દોરવાયા દોરવાઈ જઇને લીધેલ નિર્ણય આપની આર્થિક મુશ્કેલીમાં વધારો કરો.
જોકે ૨૫ જૂનથી ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ થતાં આપને થોડી રાહત જણાય. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થવાથી આપના વ્યવહારો સાચવવામાં મુશ્કેલી ઓછી થાય. ટૂંકમાં વર્ષ દરમ્યાન બાંધી મુઠ્ઠી લાખની એમ સમજવું.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ ઠીક રહે. તા. ૨૪ જાન્યુઆરીથી તા. ૨૫ જૂન દરમ્યાન આપની કૌટુંબિક પારિવારીક ચિંતા પરેશાનીમાં વધારો જણાય. માતા પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા રહે. માતૃપક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય. ૨ જૂન સુધી મોસાળપક્ષ સાસરીપક્ષની ચિંતા રહે. નાની વાતમાં વાદ-વિવાદ ગેરસમજ મનદુઃખ ના થઇ જાય તેનું ધ્યાન રાખવું પડે. જૂન માસથી પત્નીની ચિંતા આપને રહે. સાંસારિક જીવનમાં મતભેદ થઇ જાય. પત્નીના આરોગ્યની ચિંતા આપને રખાવે. પત્ની સાથે કારણ વગરના કલેહ કંકાસથી આપે દૂર રહેવું.
તા. ૨૫ જૂનથી ગુરૂનું પરિભ્રમણ સારું થતાં આપને ધીરે ધીરે રાહત થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. વિવાહ લગ્ન યોગ્ય સંતાનોના વિવાહ લગ્ન અંગે વાતચીત આવે કે નક્કી થાય. સંતાનના પરદેશાગમનના યોગ ઉભા થાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીની દ્રષ્ટિએ સંવત ૨૦૮૩નું આપનું વર્ષ ઠીક રહેશે. વર્ષારંભે ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે. આપને લાભ ફાયદો અપાવે. પરંતુ તા. ૨૪ જાન્યુ. થી તા. ૨૫ જૂન દરમ્યાન વક્રી ગુરૂ આપની મુશ્કેલીમાં વધારો કરે. આપના કામ થાય નહીં. બઢતી બદલીના કામમાં રૂકાવટ જણાય. તેમાં પણ કોઇની ઓળખાણ કે ચીઠ્ઠીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો તો આપની મુશ્કેલીમાં વધારો થાય. ભાઈભાંડુવર્ગ સગા સંબંધીવર્ગ કે પરિવારના સદસ્યને ત્યાં નોકરી કરતાં હોવ તો અપમાનીત થવું પડે. પેન્શન કે અન્ય બાબતોને લગતો કોર્ટ કેસ ચાલતો હોય તો આપને પ્રતિકૂળતા રહે. નિર્ણય આપની વિરુદ્ધમાં આવતાં આપની તકલીફોમાં વધારો થાય. પરંતુ ૨૫ જૂનથી આપને થોડી રાહત થતી જાય.
વર્ષારંભથી તા. ૨ જૂન સુધી લોખંડના પાયે શનિનું પરિભ્રમણ આપના થતાં કામમાં અડચણ ઉભી કરે. શનિની પનોતીનો બીજો તબક્કો તા. ૨ જૂનથી સોનાના પાયે શરૂ થઇ રહ્યો છે જે આપના માટે નબળો રહેશે. આપના ગણત્રી ધારણા પ્રમાણેના કામ થઇ શકે નહીં. આપની ગણત્રી ધારણાઓ અવળાં પડતાં આપ મુશ્કેલીમાં મૂકાવ. તા. ૫ ડીસેમ્બર ૨૦૨૬થી રાહુનું પરિભ્રમણ પણ મધ્યમ થઈ રહ્યું છે તેમજ કર્મસ્થાનમાંથી થઇ રહ્યું છે. જેના લીધે ઘણીવાર આપના કામ થતાં થતાં અટકી જાય. આરોગ્યની અસ્વસ્થતાં, કૌટુંબિક પારિવારીક પરિસ્થિતિના લીધે કામમાં બરાબર ધ્યાન આપી શકો નહીં. ભૂલો થવાને લીધે ઠપકાનો ભોગ બનવું પડે. વર્ષાન્તે ગુરૂનું પરિભ્રમણ આપને થોડી રાહત અપાવશે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય રીતે વિક્રમ સંવત ૨૦૮૩નું વર્ષ એકંદરે આપના માટે પ્રતિકૂળ રહે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે તેમજ વર્ષની મધ્ય સુધી વક્રી ગુરૂ આપના માટે નબળો રહેશે. તા. ૫ ડીસેમ્બરથી રાહુ કર્મસ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે. એકંદરે વર્ષ દરમ્યાન પ્રતિકૂળ સંજોગો વધુ સમય રહે છે તેથી ધંધામાં કામમાં અડચણ રહે. કોઇને કોઈ કારણસર કામમાં વિલંબ જણાય. લોખંડના ધંધામાં, કમ્પ્યુટર કે તેના હાર્ડવેર સોફ્ટવેર કે એસેસરીઝ સ્ટેશનરીના ધંધામાં આપને તકલીફ રહે. આપની ઘરાકી તૂટતી જાય. દિવસ દરમ્યાન એક પણ ગ્રાહક ન આવતાં ધંધા પર, દુકાન પર શા માટે આવો છો તેવા વિચાર આવ્યા કરે. સંયુક્ત ધંધામાં પિતા-પુત્ર વચ્ચે કે ભાઈઓ ભાઈઓ વચ્ચે વાદ-વિવાદ ગેરસમજ મનદુઃખ ઉભા થઇ જાય. ધંધામાંથી છૂટા થવાના વિચારો આવે. ભાગીદારીવાળા ધંધામાં પણ છૂટા થવાના પ્રશ્નો ઉભા થાય. જૂના ગ્રાહકો પણ મોં ફેરવી લેતાં આપના આવકના સ્ત્રોત ઘટતાં જાય.
વર્ષારંભથી તા. ૧૨ નવેમ્બર અને તા. ૯ માર્ચ થી ૨૬ એપ્રીલ દરમ્યાન આપે ધંધાકીય મહત્ત્વના નિર્ણય લેવાનું ટાળવું. અત્યંત જરૂરી સંજોગોમાં વડીલવર્ગ સાથે ચર્ચા વિચારણા કરી લેવા તેમ છતાં કોઇના દોરવાયા દોરવાઈ જઇને કે કોઇની શેહ-શરમમાં આવી જઇને કોઈપણ નિર્ણય કરવા નહીં. રાજકીય સરકારી કીન્નાખોરી, દ્વેષ ઇર્ષ્યાના ભોગ બનવું પડે. કાયદાકીય આંટીઘૂંટીમાં અટવાઈ જાવ.
જો કે તા. ૨૫ જૂનથી ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ થતાં આપને થોડી રાહત જણાય. કેટલાંક વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ નબળું છે.મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરી શકો નહીં. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું. થોડાક ગુણ માટે વર્ષ બગડે નહીં કે લાઈન ના બદલવી પડે તેની તકેદારી રાખવી પડે. જૂઠા સ્વાર્થી વ્યસની મિત્રોથી સંભાળવું પડે. તેમની સાથે હરવા ફરવામાં મોજ, મજામાં વર્ષ બગડે નહીં કે અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. જૂનમાસથી આપની રાશિમાંથી પસાર થઇ રહેલા શનિ માનસિક પરિતાપ વ્યગ્રતા રખાવડાવે. વાંચવાની ઇચ્છા થાય નહીં. વાંચો તો યાદ રાખવામાં મુશ્કેલી જણાય. ભૂલી જાઓ તેવું બને. તા. ૨૫ જૂનથી ગુરૂનું પરિભ્રમણ આપને થોડી રાહત આપનારું રહેશે. વર્ષ દરમ્યાન આપે આરોગ્યની કાળજી
રાખવી પડે.
ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૮૩માં ગુરુ, શનિ તેમજ રાહુનું બે રાશિમાંથી પરિભ્રમણ થઇ રહ્યું છે.ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ સાનુકુળ રહે, શનિ પ્રતિકૂળ રહે તેમજ રાહુનું પરિભ્રમણ મધ્યમ રહેશે. એકંદરે વર્ષ આપના માટે કઠીન રહેવાનું. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરતાં કરતાં આપના કાર્યોને પૂર્ણ કરવા પડે. ઘર-પરિવારની ચિંતા જણાય. નાણાંકીય આયોજન આપે ખૂબ જ સમજી વિચારીને
કરવું પડે.

સ્વ. રાજજ્યોતિષી
પ્રિ. પદ્મનાભ અગ્નિહોત્રી
રાજજ્યોતિષી
પ્રા. અગ્નિદત્ત પદ્મનાભ (અગ્નિહોત્રી)

સ્ત્રી વર્ગ
સ્ત્રીવર્ગને માટે સંવત ૨૦૮૩નું વર્ષ કપરું સાબીત થાય. વર્ષ દરમ્યાન કોઇને કોઈ શારિરિક માનસિક તકલીફોનો સામનો કરવો પડે. પેટ પેઢુ ગર્ભાશયમાં દર્દ પીડા જણાય. મેનોપોઝની તકલીફ રહે. પતિ સાથે સાંસારિક જીવનમાં મુશ્કેલીઓ ઉભી થાય. નોકરી વ્યવસાય તેમજ ઘર પરિવારની જવાબદારીઓમાં કોને પ્રાધાન્ય આપવું તેની મૂંઝવણ રહે. પહેલાને આપો તો બીજાને તકલીફ અને બીજાને આપો તો પહેલાને તકલીફ જણાય.
માતૃપક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય. નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું પડે. જો કે વર્ષાન્તે ગુરૂનું પરિભ્રમણ સારું થતાં આપને થોડી થોડી રાહત થતી જાય. સંતાનપ્રાપ્તિના યોગ ઉભા થાય. અવિવાહીત સંતાનના વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થવાથી આનંદ અનુભવો.