India

રાહુલ-પ્રિયંકાએ કેમ સોનિયા ગાંધીને PM બનતા રોક્યા? જાણો 2004ના PM પદના ત્યાગ પાછળનું સત્ય

By GS Team
10 Nov 20265 mins read
TukuTouch Logo
વર્ષ 2004માં કોંગ્રેસની જીત છતાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનો અસ્વીકાર કર્યો હતો. તેમના પુસ્તક 'Belonging: A Journey of Love'માં આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પરિવારના લોહીયાળ ઇતિહાસને કારણે માતાને PM ન બનવા વિનંતી કરી હતી. નેતાઓના દબાણ છતાં, સોનિયા ગાંધીએ અંતે મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ-પ્રિયંકાએ કેમ સોનિયા ગાંધીને PM બનતા રોક્યા? જાણો 2004ના PM પદના ત્યાગ પાછળનું સત્ય

Why Sonia Gandhi Rejected PM Post in 2004: Rahul's Midnight Plea & Untold Drama | રાજકારણમાં સત્તાનો તાજ સામેથી મળતો હોય ત્યારે તેને ઠુકરાવી દેવાની ઘટનાઓ ઇતિહાસમાં બહુ ઓછી નોંધાઈ છે. વર્ષ 2004માં જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા UPAએ અટલ બિહારી વાજપેયીની ભાજપ-NDA સરકારને હરાવીને જીત મેળવી, ત્યારે દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં માત્ર એક જ નામ ગૂંજતું હતું, સોનિયા ગાંધી. પરંતુ કરોડો લોકો જેને દેશના વડાપ્રધાન તરીકે જોઈ રહ્યા હતા, તે મહિલા પોતાના ઘરમાં અંદરથી એક ભયાનક માનસિક સંઘર્ષ લડી રહ્યા હતા. સોનિયા ગાંધીના નવા સંસ્મરણો ધરાવતા પુસ્તક 'Belonging: A Journey of Love'માં 2004ના એ ઐતિહાસિક દિવસો પાછળની એવી અજાણી વિગતો સામે આવી છે, જે ભારતીય રાજકારણના સૌથી મોટા રહસ્યો પરથી પડદો ઊંચકે છે.

પરિણામો પહેલાં જ બાળકો સામે લીધેલો અડગ સંકલ્પ

2004ની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા તે પહેલાં જ સોનિયા ગાંધીએ પોતાના સંતાનો રાહુલ ગાંધી (તે સમયે ઉંમર 34 વર્ષ) અને પ્રિયંકા ગાંધી (તે સમયે ઉંમર 32 વર્ષ) સાથે વડાપ્રધાન બનવા અંગે ખુલીને વાત કરી હતી. જ્યારે બંનેમાંથી એકે પૂછ્યું કે જો UPA જીતી જશે તો શું તેઓ પીએમ બનશે? ત્યારે સોનિયા ગાંધીએ સ્પષ્ટ અને અણગમા સાથે જવાબ આપ્યો હતો: બિલકુલ નહીં!

બાળકોએ ફરી પૂછ્યું, શું તમે ચોક્કસ છો? તો સોનિયાએ કહ્યું, હું એકદમ સ્પષ્ટ છું. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સોનિયા ગાંધી પોતાના આ જ વિચાર પર કાયમ હતા કે તેઓ ક્યારેય ભારતના વડાપ્રધાન નહીં બને.

Sonia Gandhi memoir (1).png

લોહીયાળ ઇતિહાસ અને પરિવારનો કંપાવનારો ડર

રાહુલ અને પ્રિયંકા પોતાની માતાના આ નિર્ણયથી અત્યંત ખુશ હતા, કારણ કે તેમના દિલમાં પરિવારના લોહીયાળ ઇતિહાસનો ઊંડો ડર ઘર કરી ગયો હતો. તેમણે પોતાની દાદી ઇન્દિરા ગાંધીની ગોળીઓથી વીંધાયેલી હત્યા અને પિતા રાજીવ ગાંધીની ભયાનક બોમ્બ વિસ્ફોટમાં હત્યા જોઈ હતી.

સોનિયા ગાંધીએ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, 'તેમના મગજમાં વડાપ્રધાનનું પદ સીધું જ મોટા જોખમ અને સંકટ સાથે જોડાયેલું હતું. તેઓ રાહત અનુભવી રહ્યા હતા અને મેં પણ આ સવાલ પર પ્રથમવાર પોતાના વિચારો મોટેથી વ્યક્ત કરીને હળવાશ અનુભવી હતી. આ વાત ત્યાં જ અટકી ગઈ અને મેં આ વિશે અન્ય કોઈ સાથે ક્યારેય વાત કરી નહોતી.

10 જનપથનું હાઇ-વોલ્ટેજ ડ્રામા અને સોનિયાનું 'ઠીક હૈ'

ચૂંટણી જીત્યા બાદ સોનિયા ગાંધીની અંદર એક તીવ્ર માનસિક યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમની લાગણીઓ પળવારમાં બદલાઈ રહી હતી. એક તરફ દૃઢ નિશ્ચય હતો તો બીજી તરફ ગૂંચવણ. 10, જનપથ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી. સોનિયા ગાંધીએ હિંમત ભેગી કરીને નેતાઓ સામે પીએમ ન બનવાની પોતાની અનિચ્છા વ્યક્ત કરી, પરંતુ ત્યાં હાજર નેતાઓ આક્રમક બની ગયા અને હોબાળો મચાવી દીધો. કોંગ્રેસી નેતાઓએ તેમને ઘેરી લીધા. એક નેતાએ કહ્યું, અમે આ સ્વીકારીશું નહીં. બીજાએ જોરપૂર્વક દબાણ કર્યું, મેડમ, તમે આ નિર્ણય ન લઈ શકો. અમે ના સાંભળવા તૈયાર નથી. નેતાઓના આટલા આક્રમક વલણથી 58 વર્ષીય સોનિયા ગાંધી ગભરાઈ ગયા અને હતાશ થઈને સાવ ધીમા અવાજે બોલ્યા—"ઠીક હૈ". આ વાક્ય પૂરું થાય તે પહેલાં જ નેતાઓએ એકબીજાને વધામણી આપવાનું અને સોનિયાને અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું.

આંસુ, ગુસ્સો અને મધરાતે રાહુલનો સવાલ: અમારું શું?

રૂમની બહાર પ્રિયંકા ગાંધી રાહ જોઈ રહ્યા હતા. જેવી તેમને ખબર પડી કે તેની માતા દબાણમાં આવીને વડાપ્રધાન બનવા તૈયાર છે, તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા અને ઘરની અંદર દોડી ગયા. પ્રિયંકા ગાંધી સીધા જ પોતાના ભાઈ રાહુલના રૂમમાં પહોંચ્યા અને સમાચાર આપ્યા. બંને ભાઈ-બહેન તાત્કાલિક સોનિયા ગાંધી પાસે દોડી આવ્યા. પિતાના અવસાન પછી આ બંને બાળકો પોતાની જાતને માતાના રક્ષક માનતા હતા. જ્યારે સોનિયા ગાંધીએ કહ્યું કે તેમના પર નેતાઓનું ભારે દબાણ હતું, ત્યારે રાહુલ ગાંધી આ વાત માનવા તૈયાર નહોતા. રાહુલે ગુસ્સામાં પોતાની માતાને પૂછ્યું, "અમારું શું?" અને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે પ્રિયંકાએ માતાને વિનંતી કરી કે તમે જે નથી ઈચ્છતા તે કરવા માટે કોઈ તમને મજબૂર ન કરી શકે.

Sonia Gandhi memoir (3).png

મનમાં ઉઠેલા બે અંતર્દ્વંદ્વ

આ સમગ્ર ઘર્ષણથી થાકીને સોનિયા ગાંધી પોતાના બેડરૂમમાં ગયા અને હંમેશની જેમ તેમના સ્વર્ગસ્થ પતિ રાજીવ ગાંધી જે બાજુ સૂતા હતા તે તરફ સૂઈ ગયા. એકાંતમાં તેમના મનમાં બે અલગ-અલગ અવાજો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. પહેલો અવાજ: શું ઇટાલીમાં જન્મેલી અને મોટી થયેલી કોઈ સ્ત્રીને 100 કરોડથી વધુ લોકોના દેશનું નેતૃત્વ કરવા પસંદ કરવી યોગ્ય ગણાય? બીજો અવાજ: આ ભારત હવે તમારું ઘર બની ગયું છે. આ એ દેશ છે જેણે તમને અંગત દુર્ઘટનાઓ વચ્ચે પણ અપનાવી છે અને પોતાનાપણાનો અહેસાસ કરાવ્યો છે. આ તમારો દેશ છે, અને તમારા પુખ્ત જીવનની સંપૂર્ણ વફાદારી આ દેશ પ્રત્યે છે.

આ ભારે લાગણીઓ વચ્ચે સોનિયા ગાંધી પોતાના સ્વર્ગસ્થ પતિ રાજીવની હાજરી ઝંખતા હતા. આખરે તેમના મગજમાં સ્પષ્ટતા થઈ અને અંદરથી અવાજ આવ્યો: સોનિયા, તારી જાત પ્રત્યે પ્રામાણિક રહે. તું આ પહેલેથી જ જાણતી હતી. બસ આ પદ છોડી દે!

સંસદનો ઐતિહાસિક દિવસ અને મનમોહન સિંહની પસંદગી

થોડા કલાકો પછી જાગીને સોનિયા સીધા રાહુલના રૂમમાં ગયા અને કહ્યું, મેં મારો નિર્ણય લઈ લીધો છે. હું મારા વલણ પર અડગ રહીશ. આ સાંભળી રાહુલે પોતાની માતાને ગળે લગાવી લીધી અને કહ્યું કે આ એકદમ સાચો નિર્ણય છે. બીજા દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સોનિયા ગાંધી પોતાનો આખરી નિર્ણય જાહેર કરવા પહોંચ્યા ત્યારે ફરી નાટ્યાત્મક દૃશ્યો સર્જાયા. તેમને નિર્ણય બદલવા માટે ઉપરાઉપરી ભાષણો થયા. પરંતુ સોનિયા ગાંધી મક્કમ હતા. તેમણે કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના વડા તરીકેનું પદ છોડીને ડૉ. મનમોહન સિંહના નામની જાહેરાત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કરી દીધી.

હોલમાં જોરદાર તાળીઓનો ગડગડાટ થયો, કેટલાક સાંસદો નારેબાજી કરવા લાગ્યા અને કેટલાકની આંખોમાં આંસુ આવી ગયા. આ ઐતિહાસિક ક્ષણે રાહુલ અને પ્રિયંકા પણ ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યા, જ્યારે સોનિયા ગાંધી પોડિયમ પરથી પોતાના કાગળો સમેટીને શાંતિથી બહાર નીકળી ગયા.