દિલ્હીમાં ડિનર અને નજર મહિલાઓ પર! સોનિયા ગાંધીની આત્મકથામાં બિલ ક્લિન્ટનની પોલ ખુલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonia Gandhi Autobiography News : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા ‘Belonging: A Journey of Love’ લોન્ચ થતાં જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ પુસ્તકમાં સોનિયાએ પોતાના જીવન સાથે જોડાયેલા અનેક રસપ્રદ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ નિકોલસ સરકોઝી અને બ્રિટનની રાજકુમારી પ્રિન્સેસ ડાયના સાથે જોડાયેલી યાદોનો પણ સમાવેશ થાય છે.
બિલ ક્લિન્ટન સુંદર મહિલાઓને છૂપી રીતે જોતા હતા
સોનિયા ગાંધીએ વર્ષ 2000માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટનની ભારત મુલાકાતનો એક પ્રસંગ યાદ કર્યો છે. તેમણે લખ્યું છે કે તે સમયે ક્લિન્ટન સાથે જોડાયેલો મોનિકા લેવિન્સ્કી વિવાદ શાંત પડી ગયો હતો, પરંતુ તેમની જૂની આદતો બદલાઈ નહોતી. સોનિયાના જણાવ્યા અનુસાર, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ક્લિન્ટનના સન્માનમાં સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ક્લિન્ટનને ત્યાં હાજર સુંદર મહિલાઓને છૂપી રીતે જોતા જોયા હતા. આ પ્રસંગનો ઉલ્લેખ કરીને સોનિયાએ ક્લિન્ટનના વર્તન અંગે પોતાની નોંધ પુસ્તકમાં લખી છે.
નિકોલસ સરકોઝીને કાર્લા બ્રૂનીની યાદ અપાવી
સોનિયાએ વર્ષ 2008માં ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ નિકોલસ સરકોઝીની ભારત મુલાકાતનો પણ એક રસપ્રદ પ્રસંગ શેર કર્યો છે. સરકોઝી તે સમયે કાર્લા બ્રૂની વગર ભારત આવ્યા હતા. ભોજન સમારંભ દરમિયાન સોનિયાની બાજુમાં બેઠેલાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારીનાં પત્નીએ સરકોઝીને તેમના લગ્ન અંગે સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. શું તેઓ લગ્ન કરવાના છે? લગ્નની તારીખ નક્કી થઈ છે? અને શું તેમને કાર્લા બ્રૂનીની યાદ આવે છે? જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. સોનિયાના જણાવ્યા પ્રમાણે, સરકોઝી આ સવાલોથી જરા પણ વિચલિત થયા નહોતા. ઊલટું, તેઓ પોતાની પ્રેમકથા વિશે જણાવવા માટે ઉત્સુક દેખાતા હતા.
પ્રિન્સેસ ડાયનાની સુંદરતા ક્યારેય ભૂલી શક્યાં નથી સોનિયા
પુસ્તકમાં સોનિયાએ બ્રિટનની રાજકુમારી પ્રિન્સેસ ડાયના સાથેની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજીવ ગાંધી અને તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સ વચ્ચે સારા સંબંધો હતા. જોકે, તેમના મતે શાહી પરિવારનું સાચું આકર્ષણ ડાયના હતાં. સોનિયાએ ડાયનાની સુંદરતાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે દુલ્હનના રૂપમાં તેમની અદભુત સુંદરતા તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. જોકે, વર્ષ 1992માં ડાયના ભારત આવ્યાં ત્યારે તેમને જોઈને એવું લાગ્યું હતું કે તેમના લગ્નજીવનમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. સોનિયાની આત્મકથામાં આ ઉપરાંત વડાપ્રધાન બનવા માટે તેમણે પહેલા સંમતિ આપ્યા બાદ શા માટે ઇનકાર કર્યો હતો અને આ નિર્ણયમાં રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીની શું ભૂમિકા હતી, તેવા પ્રસંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.




