Business

Q1માં બેરોજગારીનો દર ચાર ત્રિમાસિકની ટોચે

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: સાંખ્યિકી મંત્રાલયના ડેટા મુજબ, ભારતમાં ૧૫ વર્ષથી વધુ વયના લોકો માટે બેરોજગારી દર એપ્રિલ-જૂન ૨૦૨૬માં 5.4% પર પહોંચ્યો છે. યુવાન મહિલાઓમાં બેરોજગારી દર ૧૯.૬% થયો, જે સર્વોચ્ચ સપાટી છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં બેરોજગારીમાં વધારો જોવા મળ્યો છે. યુવાનોમાં બેરોજગારી મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Q1માં બેરોજગારીનો દર ચાર ત્રિમાસિકની ટોચે

યુવા મહિલાઓમાં બેરોજગારીનો દર ૧૯.૬%એ પહોંચ્યો
યુવાનોમાં બેરોજગારી મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં વધી
અમદાવાદ : સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૫ વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે બેરોજગારીનો દર એપ્રિલ-જૂન ૨૦૨૬ (Q૧)માં વધીને ચાર ત્રિમાસિક ગાળાની સૌથી ઊંચી સપાટી ૫.૪% પર પહોંચી ગયો છે, જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં બેરોજગારી વધી છે. બેરોજગારીમાં આ વધારો વ્યાપક સ્તરે હતો, જેમાં યુવાન મહિલાઓમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો સૌથી વધુ દર જોવા મળ્યો હતો.
સરેરાશ, એપ્રિલ-જૂન દરમિયાન દેશમાં ૧૫ વર્ષ અને તેથી વધુ વયના ૫૬.૬ કરોડ લોકો રોજગારી ધરાવતા હતા, જેમાંથી ૪૦.૨ કરોડ પુરુષો અને ૧૬.૪ કરોડ મહિલાઓ હતી. બેરોજગારીનો દર એક ક્વાર્ટર (ત્રિમાસિક) પહેલાના ૫%થી વધી ગયો છે અને એપ્રિલ-જૂન ૨૦૨૫ પછીનો આ સૌથી વધુ દર છે, જ્યારે તે ૫.૪% હતો.
ગ્રામીણ બેરોજગારીનો દર એપ્રિલ-જૂનમાં વધીને ૪.૮% થયો છે, જે એક ત્રિમાસિક પહેલા ૪.૩% હતો. જ્યારે શહેરી બેરોજગારીનો દર જાન્યુઆરી-માર્ચના ૬.૬%થી સામાન્ય વધીને ૬.૭% થયો છે.
મહિલા બેરોજગારીનો દર એક ત્રિમાસિક પહેલાના ૫.૩%થી વધીને ૫.૭% થયો છે, જ્યારે પુરુષો માટે તે જાન્યુઆરી-માર્ચના ૪.૮%થી વધીને ૫.૩% થયો છે.
યુવા મહિલાઓમાં બેરોજગારી એક ત્રિમાસિક પહેલાના ૧૭.૭%થી વધીને એપ્રિલ-જૂનમાં ૧૯.૬% ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. યુવા બેરોજગારી ૧૫થી ૨૯ વર્ષની વયના લોકો માટે ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને ૧૫.૯% થઈ ગઈ છે, જે વર્તમાન પીરિયોડિક લેબર ફોર્સ સરવે શ્રેણીમાં સૌથી વધુ છે (જેમાં એપ્રિલ-જૂન ૨૦૨૫ સુધીનો ડેટા છે). જાન્યુઆરી-માર્ચમાં યુવા બેરોજગારી ૧૫% અને એક વર્ષ પહેલા ૧૪.૬% હતી.
યુવાનોમાં બેરોજગારી મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં વધી છે, જે એપ્રિલ-જૂનમાં વધીને ૧૪.૭% થઈ છે, જે એક ત્રિમાસિક પહેલા ૧૩.૫% હતી. શહેરી વિસ્તારોમાં તે વધીને ૧૮.૨% થઈ છે.
શ્રમ દળ ભાગીદારી દર (LFPR)-જે કામ કરતા અથવા કામની શોધમાં હોય કે ઉપલબ્ધ હોય તેવા લોકોની ટકાવારી દર્શાવે છે-જાન્યુઆરી-માર્ચના ૫૫.૫%થી ઘટીને ગયા ત્રિમાસિક ગાળામાં ૫૪.૬% થયો છે.
તાજેતરના ડેટા દર્શાવે છે કે એકંદર શ્રમ દળ ભાગીદારી દરમાં સામાન્ય ઘટાડો થયો હોવા છતાં શહેરી શ્રમ બજાર મજબૂત રહ્યું છે. શહેરી બેરોજગારી ૬.૭% પર સ્થિર રહી છે, પુરુષ શ્રમ દળ ભાગીદારીમાં ૭૫.૩% સુધી સુધારો થયો છે, અને ગ્રામીણ તથા શહેરી બંને વિસ્તારોમાં નિયમિત પગારદાર રોજગારીનો હિસ્સો વધ્યો છે.