Business

ઓગસ્ટમાં બેરોજગારીનો દર ઘટીને 5.1% થયો, 4 મહિનામાં સૌથી ઓછો

By GS Team
17 Sep 20251 min read
This article was originally published on 17 Sep 2025
ઓગસ્ટમાં બેરોજગારીનો દર ઘટીને 5.1% થયો, 4 મહિનામાં સૌથી ઓછો

નવી દિલ્હી : ઓગસ્ટમાં શ્રમ બજારની ગતિ સકારાત્મક રહી છે. આ સમયગાળા દરમિયાન, બેરોજગારીનો દર સતત બીજા મહિને ઘટીને ૫.૧ ટકાના ૪ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે જુલાઈમાં ૫.૨ ટકા હતો. 

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલ માસિક પીરિયડિક લેબર ફોર્સ સર્વેના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારો માટે વર્તમાન સાપ્તાહિક સ્થિતિ અનુસાર ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોનો એકંદર બેરોજગારી દર ઓગસ્ટમાં વધુ ઘટીને ૪.૩ ટકા થયો છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે. શહેરી વિસ્તારોમાં, તે ઓગસ્ટમાં ઘટીને ૬.૭ ટકા થયો છે, જે જુલાઈમાં ૭.૨ ટકા હતો.

ડેટા વધુમાં દર્શાવે છે કે મહિના દરમિયાન પુરુષોમાં બેરોજગારીનો દર ઘટીને ૫ ટકા થયો છે, જ્યારે સ્ત્રીઓમાં બેરોજગારીનો દર ૫.૨ ટકા રહ્યો છે. વર્તમાન સાપ્તાહિક સ્થિતિમાં પ્રવૃત્તિની સ્થિતિ સર્વેક્ષણ તારીખ પહેલાના સાત દિવસના સંદર્ભ સમયગાળાના આધારે નક્કી કરવામાં આવે છે. 

૧૫ થી ૨૯ વર્ષની વય જૂથના લોકોમાં બેરોજગારીનો દર ૧૪.૯ ટકાથી ઘટીને ૧૪.૬ ટકા થયો છે. આ વય જૂથની મહિલાઓ માટે બેરોજગારી દર ૧૭.૮ ટકા છે જ્યારે પુરુષોનો બેરોજગારી દર ૧૩.૫ ટકા છે. આ વય જૂથના આંકડા મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ સામાન્ય રીતે પહેલી વાર નોકરી બજારમાં પ્રવેશતા લોકો હોય છે.