Business

1$ ના સિક્કા પર ટ્રમ્પનો ફોટો, જો કોઈને જોઈતા હોય તો 25$ માટે 61$ ખર્ચવા પડશે

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ અને ચહેરાવાળો $1નો નવો સિક્કો બજારમાં આવ્યો છે. US મિન્ટ દ્વારા બુધવારથી તેનું વેચાણ શરૂ કરાયું છે. આ સિક્કો કલેક્ટર્સ માટે શો-પીસ નથી, તેનું વાસ્તવિક મૂલ્ય 1 ડોલર છે અને કાયદેસર વ્યવહાર માટે ઉપયોગ થઈ શકે છે. જોકે, તેની ખરીદ કિંમત ઘણી વધારે છે, 25 સિક્કાનો રોલ $61માં મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1$ ના સિક્કા પર ટ્રમ્પનો ફોટો, જો કોઈને જોઈતા હોય તો 25$ માટે 61$ ખર્ચવા પડશે

Trump Dollar Coin Launched: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ અને ચહેરાવાળો $1નો નવો સિક્કો સત્તાવાર રીતે બજારમાં આવી ગયો છે. યુ.એસ. મિન્ટ દ્વારા બુધવારથી તેનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સિક્કાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર કલેક્ટર્સ માટેનો કોઈ શો-પીસ નથી; કાયદા અનુસાર તેનું વાસ્તવિક મૂલ્ય 1 ડોલર છે અને તેનો ઉપયોગ કોઈપણ કાયદેસર વ્યવહાર કે ચુકવણી માટે કરી શકાય છે. જોકે, રસપ્રદ બાબત એ છે કે જો કોઈ વ્યક્તિને આ $1નો સિક્કો ખરીદવો હોય તો તેણે તેની છાપેલી કિંમત કરતાં અનેક ગણી વધારે રકમ ચૂકવવી પડશે.

યુ.એસ. મિન્ટ દ્વારા 25 સિક્કાઓનો એક રોલ 61 ડોલર (અંદાજે ₹5,759)માં વેચવામાં આવી રહ્યો છે, જ્યારે 100 સિક્કાઓની બેગ 154.50 ડોલર (આશરે ₹14,583)માં ઉપલબ્ધ કરાવાઈ છે. આમ, સિક્કા પર ફેસ વેલ્યુ ભલે $1 લખેલી હોય, પરંતુ ખરીદી માટે તેની કિંમત ઘણી ઊંચી રખાઈ છે. U.S. મિન્ટ દ્વારા લોકોને પોતાના ખિસ્સામાં આવતા પરચૂરણ પર નજર રાખવા જણાવાયું છે; જોકે વેબસાઇટ પર એવી સ્પષ્ટતા પણ કરાઈ છે કે આ સિક્કા સામાન્ય પરિભ્રમણ માટે જાહેર કરાયા નથી, છતાં તે કાયદેસર ચુકવણી માટે માન્ય રહેશે.

જીવિત રાષ્ટ્રપતિનો ચહેરો કરન્સી પર છાપવા મુદ્દે કાયદાકીય વિવાદ

આ સિક્કાને લઈને સૌથી મોટો વિવાદ તેની વધુ કિંમત નહીં, પરંતુ તેની ડિઝાઇન પર સર્જાયો છે. અમેરિકન રાજકારણ અને કાનૂની આલમમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું કોઈ વ્યક્તિ સત્તામાં કે જીવિત હોય ત્યારે તેનો ચહેરો અમેરિકન ચલણ પર છાપી શકાય?

અમેરિકાના વર્ષ 2005ના એક કાયદા અનુસાર, 1 ડોલરના રાષ્ટ્રપતિ સિક્કાઓ પર માત્ર સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિઓને સન્માન આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત 'એક્સિઓસ'ના અહેવાલ મુજબ, વર્ષ 2020ના એક કાયદામાં સિક્કાની પાછળની બાજુએ જીવિત વ્યક્તિની તસવીર છાપવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટ્રેઝરી વિભાગનો તર્ક: 250મી વર્ષગાંઠની જોગવાઈ

આ વિવાદ વચ્ચે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ઓક્ટોબર 2025માં આ નિર્ણયનો બચાવ કર્યો હતો. વિભાગે દલીલ કરી હતી કે 2020ના કાયદા હેઠળ અમેરિકાની 250મી ઐતિહાસિક વર્ષગાંઠ સાથે જોડાયેલી ખાસ પ્રતીકાત્મક ડિઝાઇન તૈયાર કરવાની વિશેષ મંજૂરી આપવામાં આવી છે. આ જ કાનૂની જોગવાઈના આધારે ટ્રમ્પના ચહેરાવાળા આ સિક્કાને કાયદેસર ગણાવવામાં આવ્યો છે. જોકે, જાણકારોનું માનવું છે કે કાયદાના અર્થઘટનને લઈને આગામી સમયમાં આ મુદ્દે કાનૂની વિવાદ વધુ વકરી શકે છે.

100 વર્ષ પહેલાં પણ જીવિત રાષ્ટ્રપતિનો સિક્કો છપાયો હતો

આ વિવાદ વચ્ચે અમેરિકન ઇતિહાસમાંથી 100 વર્ષ જૂનો દાખલો પણ સામે લાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1926માં અમેરિકાના 30મા રાષ્ટ્રપતિ કેલ્વિન કુલિજ જીવિત હતા, છતાં અમેરિકાની 150મી વર્ષગાંઠ નિમિત્તે જારી કરાયેલા અડધા ડોલર (50 સેન્ટ્સ)ના સિક્કા પર જ્યોર્જ વોશિંગ્ટનની સાથે કુલિજનો ચહેરો છાપવામાં આવ્યો હતો. તે સિક્કો પણ કાયદેસર ચુકવણી માટે માન્ય હતો અને તેની વાસ્તવિક ફેસ વેલ્યુ 50 સેન્ટ હોવા છતાં તે સમયે તેને 1 ડોલરમાં વેચવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક ઉદાહરણ દર્શાવે છે કે અગાઉ પણ આવી મિસાલ બની ચૂકી છે, છતાં આજના આધુનિક કાયદાઓને કારણે નવો સિક્કો વિવાદોમાં ઘેરાયો છે.

શું સામાન્ય દુકાનો પર આ સિક્કો સ્વીકારાશે?

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના ચહેરાવાળો આ સિક્કો કાનૂની દ્રષ્ટિએ 1 ડોલરનું માન્ય ચલણ છે. તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે કોઈપણ વ્યક્તિ આ સિક્કા દ્વારા પોતાનું દેવું, સરકારી ટેક્સ કે અન્ય કાનૂની જવાબદારીઓની ચુકવણી કરી શકે છે. પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે પ્રાઇવેટ દુકાનદારો તેને સ્વીકારવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે. અમેરિકન કાયદો કોઈપણ ખાનગી વેપારી કે દુકાનદારને એ નિર્ણય લેવાની સંપૂર્ણ છૂટ આપે છે કે તેઓ પેમેન્ટ તરીકે કયા વિકલ્પો સ્વીકારવા માંગે છે. તેથી ખિસ્સામાં ટ્રમ્પનો આ $1નો સિક્કો હોવો અને તેને સામાન્ય દુકાનોમાં વાપરી શકવો, એ બંને સાવ અલગ બાબતો છે.