ઈકોમર્સમાં નવી એફડીઆઈ નીતિ પાછી ખેંચવા ટ્રેડરોની માગણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી નીતિથી દેશના નિકાસકારો તથા નાના રિટેલરોને મોટાપાયે નુકસાન પહોંચવાનો કરાયેલો દાવો
મુંબઈ : ઈન્વેન્ટરી આધારિત ઈકોમર્સમાં ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ને મંજુરી અપાયા બાદ વેપારી સંસ્થાઓએ આ મંજુરી પાછી ખેંચવા માગણી કરી છે કારણ કે તેનાથી મોટા ઈકોમર્સ ખેલાડીઓને લાભ થવાની શકયતા રહેલી છે. જોકે આ પોલિસીનો અમલ કેવી રીતે કરાશે તે હજુ સ્પષ્ટ નથી.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે આ નિર્ણયથી દેશના રિટેલ વેપારીઓ તથા નિકાસકારોને નુકસાન થશે.
આ નિર્ણય એવા સમયે આવી પડયો છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરારને લઈને ચર્ચા ચાલી રહી છે. સરકારે અમેરિકાના દબાણ આ નિર્ણય લીધો હોવાની પણ શંકા વ્યકત કરવામાં આવી હતી. વિદેશી કંપનીઓ દ્વારા આ નીતિનો દૂરુપયોગ થઈ શકે છે એટલું જ નહીં પૂરવઠા સાંકળ પર તેમનું નિયંત્રણ વધુ મજબૂત બની જશે એવો પણ દાવો કરવામાં આવ્યો ેછે.
કેઈટના મહામંત્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, નીતિમાં ફેરબદલથી બહુરાષ્ટ્રીય ઈકોમર્સ કંપનીઓને લાભ કરી આપશે અને દેશના નિકાસકારો તથા નાના રિટેલરોના વેપારને ફટકો પાડશે.
વિદેશની ઈકોમર્સ કંપનીઓમાં ભારતના એફડીઆઈ ધોરણો બાબતે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે નવી નીતિ જાહેર કરવાનો સમય વેપાર સંસ્થાનોમાં ચિંતાની લાગણી ઊભી કરી રહ્યો છે.
આનાથી નિકાસ વધશે તેવો સરકાર દાવો કરી રહી છે, પરંતુ અસરકારક સુરક્ષા વગર, વિદેશની ઈકોમર્સ કંપનીઓ આ છૂટછાટનો લાભ પોતાની બજાર સ્થિતિને મજબૂત બનાવવા માટે ઉઠાવશે એમ પણ શંકર ઠક્કરે એક નિવેદનમાં જણાવ્યું હતું, જેને પરિણામે ભારતના નાના રિટેલ વેપારીઓની સ્પર્ધાત્મકતા ઘટશે.
આ નીતિના અમલમાં બારીક દેખરેખ રાખવાની આવશ્યકતા રહેશે એમ કેઈટના રાષ્ટ્રીય મહા સચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું.પ્રક્રિયાનું વિગતવાર ધોરણે સરકાર જાહેર કરશે પરંતુ નીતિનો લાભ ઉઠાવવા ઈકોમર્સ કંપનીઓ વિવિધ માર્ગો શોધી કાઢશે એમ એક સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. સરકારે જાહેર કરેલી નીતિમાં ઈકોમર્સ કંપનીઓને ભારતના વેચાણકારો પાસેથી સીધા પ્રોડકટસ ખરીદી તેને વિદેશમાં વેચવાની છૂટ આપી છે.









