ક્રિપ્ટોના વેપાર પર પણ ઈક્વિટી ટ્રેડિંગ જેવા ટેકસ વસૂલાય તેવો ટ્રેડરોનો મત

મુંબઈ : આગામી નાણાં વર્ષ માટેનું બજેટ નજીક આવી રહ્યું છે ત્યારે ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટસ માટેના પ્લેટફોર્મ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં ભારતના ક્રિપ્ટો ખેલાડીઓ ક્રિપ્ટો કરન્સીસના વેપાર પરની વેરા પદ્ધતિમાં બદલાવ આવે તેવી ઈચ્છા ધરાવી રહ્યા છે અને મોટાભાગનાઓએ વેરા દરમાં ઘટાડો થાય તેવી અપેક્ષા વ્યકત કરી હતી. આ ઉપરાંત ઈક્વિટી વેપારની જેમ જ ક્રિપ્ટો ટ્રેડિંગમાં ટેકસ લાગુ કરવા માગ ઉઠી છે.
સર્વેમાં ભાગ લેનારાઓમાંથી મોટાભાગનાઓએ વેરામાં ઘટાડો કરવામાં આવે તેવી જોરદાર માગણી કરી છે તથા ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટસ માટેની વેરા પદ્ધતિ વધુ લવચિક બનાવવા પર ભાર આપ્યો છે.
ક્રિપ્ટોના વેપાર મારફતના નફા પર ૩૦ ટકા જેટલો ઊંચો ટેકસ એક સૌથી મોટી નિરાશાજનક બાબત છે. સર્વેમાં ભાગ લેનારામાં ૬૭ ટકા લોકોએ ઊંચા વેરા દરને એક મોટી ચિંતા તરીકે લેખાવી હતી.
ક્રિપ્ટોના વેપાર મારફત થતા નફા પર વસૂલવામાં આવતા ૩૦ ટકા ટેકસ અને ટ્રાન્ઝકશન્સ પરનો ૧ ટકા ટીડીએસ બજેટમાં ઘટાડવો જોઈએ એમ ૮૫ ટકા લોકોએ મત વ્યકત કર્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
સર્વેમાં ભાગ લેનારામાંથી ૪૪ ટકાએ ક્રિપ્ટોના વેપાર મારફતના નફા પર ૦થી ૧૦ ટકા વચ્ચે ટેકસ લેવાની તરફેણ કરી હતી જ્યારે ૩૨.૫૦ ટકા લોકોએ ૧૦થી ૨૦ ટકા ટેકસ લેવાય તો વાંધો નહીં એમ જણાવ્યું હતું. ૧૭ ટકા લોકોએ ટેકસ નહીં લેવાની વાત કરી હતી.
ઈક્વિટી વેપાર પર જેમ શોર્ટ ટર્મ તથા લોન્ગ ટર્મ ધોરણે ટેકસ લાગુ કરવામાં આવે છે તેવી જ રીતે ક્રિપ્ટોના ઈન્વેસ્ટમેન્ટસ પર ટેકસ લાગુ કરવાની ૬૬ ટકા લોકોએ ઈચ્છા વ્યકત કરી હોવાનું રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.




