Get The App

ઈરાન યુદ્ધને પરિણામે માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓને ફટકો

- મેન્યુફેકચરિંગ પીએમઆઈ ઘટી ૫૩.૯૦ સાથે ૪૫ મહિનાના તળિયે : નિકાસ મોરચે સ્થિતિ મજબૂત

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધને પરિણામે  માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓને ફટકો 1 - image

મુંબઈ : ફેબુ્રઆરીની અંતિમ તારીખથી શરૂ થયેલા ઈરાન યુદ્ધની ભારતની માર્ચ મહિનાની ઉત્પાદન પ્રવૃત્તિ પર ગંભીર અસર પડી હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું છે.

એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલ એચએસબીસી ઈન્ડિયા  ઉત્પાદન ક્ષેત્રનો માર્ચનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટી ૫૩.૯૦ સાથે ૪૫ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. ફેબુ્રઆરીમાં આ આંક ૫૬.૯૦ રહ્યો હતો.

સપ્ટેમ્બર, ૨૦૨૧માં ૫૩.૭૦ રહ્યા બાદ વર્તમાન વર્ષના માર્ચનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ અત્યારસુધીનો નીચો રહ્યો છે.

૨૦૨૬ના પ્રારંભિક બે મહિનામાં સતત વધીને આવ્યા બાદ પીએમઆઈમાં સ્થિતિ રિવર્સ થઈ છે જે માટે ઈરાન યુદ્ધ કારણભૂત હોવાનું જણાવાઈ રહ્યું છે. 

૨૦૨૪ તથા ૨૦૨૫ના વર્ષમાં પીએમઆઈ મોટેભાગે ૫૫થી ૫૯ની રેન્જમાં રહ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૫માં તો ૫૯.૩૦ સુધી જોવા મળ્યો હતો. 

ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ ખાડી બંધ પડી જતા દેશમાં ક્રુડ ઓઈલનો ફલો અવરોધાયો છે જેની સીધી અસર માલસામાનના ઉત્પાદન પર પડી છે. 

માર્ચમાં ઉત્પાદન તથા નવા ઓર્ડરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે માગ મંદ હોવા ઉપરાંત વ્યાપક અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાના સંકેત આપે છે.

યુદ્ધને કારણે એલ્યુમિનિયમ, કેમિકલ્સ  સહિત અનેક પ્રોડકટસ માટેના કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. કંપનીઓ હાલમાં તો આ ખર્ચને ગ્રહણ કરી રહી છે અને પ્રોડકટસની કિંમત વધારવાનું ટાળી રહી છે. 

પડકારરૂપ બજાર સ્થિતિ, ઊંચા ખર્ચ તથા યુદ્ધને કારણે ઊભી થયેલી ખલેલો ઉત્પાદનમાં ઘટાડા માટે કારણભૂત છે. કાચા માલના ભાવ ૨૦૨૨ના ઓગસ્ટ બાદ સૌથી ઝડપી વધ્યા છે.

ઘરઆંગણે ઓર્ડરો ભલી ધીમા રહ્યા હોય પરંતુ નિકાસ મોરચે કંપનીઓની કામગીરી મજબૂત રહી છે અને નિકાસ વેચાણ ગયા વર્ષના સપ્ટેમ્બર સૌથી ઊંચુ રહ્યું હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, જાપાન, ચીન ખાતેથી ઓર્ડરોમાં વધારો થયો છે.