Business

ટાટા ગ્રૂપનો મોટો નિર્ણય: ચંદ્રશેખરનની વધુ 5 વર્ષની ટર્મ માટે નિમણૂક, નોએલ ટાટાએ કર્યો વિરોધ!

By GS Team
17 Sep 20264 mins read
TukuTouch Logo
ટાટા સન્સના બોર્ડે N. ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન પદે યથાવત્ રાખવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. જોકે, બોર્ડ સભ્ય નોએલ ટાટાએ આ પ્રસ્તાવનો વિરોધ કરી વિરુદ્ધમાં મત આપ્યો હતો. RBIના લિસ્ટિંગના નિર્ણયને પગલે નેતૃત્વમાં સ્થિરતા જાળવવા આ નિર્ણય લેવાયો, પરંતુ ટાટા પરિવારમાં મતભેદો સપાટી પર આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાટા ગ્રૂપનો મોટો નિર્ણય: ચંદ્રશેખરનની વધુ 5 વર્ષની ટર્મ માટે નિમણૂક, નોએલ ટાટાએ કર્યો વિરોધ!

Tata Sons Reappoints N Chandrasekaran as Chairman for 5 Years; Noel Tata Opposes | દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન પદે યથાવત્ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે જ ગત મહિને ચંદ્રશેખરને પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પદ છોડવાની કરેલી જાહેરાત પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. જોકે, આ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ટાટા પરિવારમાં અંદરોઅંદર મતભેદ સપાટી પર આવ્યા હતા. બોર્ડના તમામ સભ્યોએ ચંદ્રશેખરનની પુનઃ વરણીની તરફેણમાં મતદાન કર્યું હતું, પરંતુ બોર્ડ સભ્ય નોએલ ટાટાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને વિરુદ્ધમાં મત આપ્યો હતો.

પદ છોડવાની જાહેરાત બાદ યુટર્ન

એન. ચંદ્રશેખરનની વર્તમાન મુદત 20 ફેબ્રુઆરી 2027ના રોજ પૂર્ણ થઈ રહી છે. ગત 12 ઑગસ્ટે તેમણે બોર્ડને સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2027માં મુદત પૂરી થયા બાદ તેઓ આગામી ટર્મ માટે દાવેદારી કરશે નહીં. આ જાહેરાત બાદ ઉત્તરાધિકારી શોધવા માટે 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટ' દ્વારા સિલેક્શન કમિટી બનાવવાની કવાયત પણ શરૂ થઈ ગઈ હતી, પરંતુ તાજેતરની બદલાયેલી પરિસ્થિતિમાં બોર્ડે નેતૃત્વમાં સ્થિરતા જાળવી રાખવા ચંદ્રશેખરન પર જ ભરોસો મૂક્યો છે.

પદ છોડવાનો નિર્ણય કેમ લેવાયો હતો?

  • ફેબ્રુઆરી 2026માં મળેલી બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનને 5 વર્ષનું એક્સટેન્શન આપવા પર સર્વસંમતિ સધાઈ શકી નહોતી.
  • ટાટા સન્સમાં આશરે 66% હિસ્સેદારી ધરાવતા ટાટા ટ્રસ્ટ અને ચંદ્રશેખરન વચ્ચે ગવર્નન્સ, મૂડી રોકાણ, પર્ફોમન્સ અને ભવિષ્યના માલિકી માળખાને લઈને લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા.

RBIના ચુકાદાએ બદલી નાખ્યું સમગ્ર સમીકરણ

ચંદ્રશેખરનના પદ પર ચાલુ રહેવા પાછળ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો તાજેતરનો નિર્ણય સૌથી મોટું કારણ બન્યો છે.

  • 11 સપ્ટેમ્બરનો આદેશ: RBI એ ટાટા સન્સની નોન-બૅંકિંગ ફાઇનાન્સિયલ કંપની તરીકેનું રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી સત્તાવાર રીતે ફગાવી દીધી છે.
  • લિસ્ટિંગની ડેડલાઇન: સપ્ટેમ્બર 2022માં RBI એ ટાટા સન્સને તેના સ્કેલ-બેઝ્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક હેઠળ 'અપર-લેયર' NBFC તરીકે વર્ગીકૃત કરી હતી. આ નિયમ હેઠળ કંપનીએ 3 વર્ષની અંદર એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં ફરજિયાત લિસ્ટિંગ કરાવવાનું હતું.
  • ટાટા સન્સે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ડિ-રજિસ્ટર થઈને લિસ્ટિંગથી બચવાનો પ્રયાસ કર્યો હતો, જે અરજી પેન્ડિંગ રહેતાં ડેડલાઇન વીતી ગઈ હતી. હવે RBIના ઇન્કાર બાદ કંપની પર લિસ્ટિંગનું કાનૂની દબાણ ફરી સર્જાયું છે.
  • ટાટા ટ્રસ્ટ (66% હિસ્સો) પબ્લિક લિસ્ટિંગનો સખત વિરોધ કરી રહ્યું છે, જ્યારે ટાટા સન્સમાં લગભગ 18% હિસ્સો ધરાવતું શાપૂરજી પાલોનજી ગ્રૂપ (SP Group) લિસ્ટિંગની તરફેણ કરી રહ્યું છે. આ કાનૂની અને રેગ્યુલેટરી કટોકટી વચ્ચે ટાટા સન્સને મજબૂત અને અનુભવી નેતૃત્વની જરૂર હોવાથી બોર્ડે ચંદ્રશેખરનને જાળવી રાખ્યા છે.

RBI સામે ઝૂક્યું બોર્ડ

  1. બોર્ડનું વલણ: બોર્ડે RBIના આદેશ સામે કાનૂની લડત લડવાને બદલે લિસ્ટિંગ પ્રક્રિયાનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે.
  2. ટ્રસ્ટીઓમાં મતભેદ: લિસ્ટિંગના મુદ્દે ટાટા ટ્રસ્ટ્સમાં ભાગલા પડ્યા છે. નોએલ ટાટા લિસ્ટિંગનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે અન્ય ટ્રસ્ટીઓ વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ લિસ્ટિંગની તરફેણમાં છે.
  3. SP ગ્રૂપનું વલણ: ટાટા સન્સમાં 18.37% હિસ્સો ધરાવતું શાપૂરજી પાલોનજી ગ્રૂપ લિસ્ટિંગની સંપૂર્ણ તરફેણમાં છે.
  4. RBIની કેવિએટ: RBIએ સંભવિત કાનૂની ગૂંચવણોને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટમાં કેવિએટ પણ દાખલ કરી છે, જેથી કોઈ એકતરફી સ્ટે ઓર્ડર ન આવી શકે.

AGMમાં કોરમનો મોટો પેચ

ચંદ્રશેખરનના ચેરમેન પદે ચાલુ રહેવા માટે તેમનું ડિરેક્ટર પદે ચૂંટાવું જરૂરી છે, જેનો ફેંસલો AGM માં થશે. પરંતુ ટાટા સન્સની AGM પોતે કાનૂની ગૂંચવણમાં ફસાયેલી છે.

  • ગત 18 ઑગસ્ટના રોજ નિર્ધારિત AGM કોરમના અભાવે મુલતવી રાખવી પડી હતી.
  • ટાટા સન્સમાં 23.56% હિસ્સો ધરાવતા 'સર રતન ટાટા ટ્રસ્ટ' પર મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર દ્વારા કાર્યવાહી ચાલી રહી હોવાથી ટ્રસ્ટના સંચાલન પર નિયંત્રણો લાગેલા છે.
  • ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મુજબ, બેઠકના કોરમ માટે સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે નિયુક્ત કરાયેલા સત્તાવાર પ્રતિનિધિની હાજરી અનિવાર્ય છે. SRTTની આંતરિક અસમર્થતાના કારણે આ સંયુક્ત પ્રતિનિધિ નક્કી થઈ શક્યા નથી.
  • જો નોએલ ટાટા અને ટ્રસ્ટ્સ AGMમાં બોર્ડના આ પ્રસ્તાવો વિરુદ્ધ વિટો પાવરનો ઉપયોગ કરશે, તો ટાટા ગ્રૂપમાં સત્તા અને પારદર્શિતાને લઈને મોટી કાનૂની લડાઈ છેડાઈ શકે છે.

એન. ચંદ્રશેખરન વર્ષ 2017માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બન્યા હતા અને 2022 માં તેમને 5 વર્ષની બીજી મુદત મળી હતી. હવે 2027 પછી પણ તેઓ 5 વર્ષ સુધી પદ સંભાળશે.