Business

તહેવારોમાં સંગ્રહખોરી અટકાવવા માટે ખાંડની સ્ટોક લિમિટ વધુ ઘટાડાઈ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ખાંડના ભાવવધારાને અંકુશમાં લેવા સરકારે મોટો નિર્ણય લીધો છે. 15 સપ્ટેમ્બરથી ડીલરો માટે ખાંડની સ્ટોક મર્યાદા 4000 ક્વિન્ટલથી ઘટાડી 2000 ક્વિન્ટલ કરાઈ છે. આ નિયમ દેશભરમાં 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. મુંબઈ-દિલ્હીમાં ભાવ 55-60 રૂપિયા કિલો હોવાથી, તહેવારોમાં સંગ્રહખોરી રોકવા આ પગલું ભરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોમાં  સંગ્રહખોરી અટકાવવા માટે ખાંડની સ્ટોક લિમિટ વધુ ઘટાડાઈ

ડીલરો ૨૦૦૦ ક્વિન્ટલથી વધુ સ્ટોકસ રાખી શકશે નહીં
મુંબઈ : દેશમાં ખાંડના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી આગામી તહેવારો દરમિયાન ખાંડની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારડીલરો માટે ખાંડની સ્ટોક લિમિટ ૪૦૦૦ ક્વિન્ટલ પરથી ઘટાડી ૧૫ સપ્ટેમ્બરથી ૨૦૦૦ ક્વિન્ટલ કરી નાખી છે. નવી સ્ટોક મર્યાદા ૩૦ નવેમ્બર સુધી લાગુ રહેશે.
ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ઓર્ડર પ્રમાણે કોઈપણ ડીલર દેશમાં કોઈપણ સ્થળે ૨૦૦૦ ક્વિન્ટલથી વધુ સ્ટોક રાખી શકશે નહીં.
૪૦૦૦ ક્વિન્ટલની સ્ટોક મર્યાદાનું ધોરણ ૧ ઓગસ્ટથી લાગુ કરાયુ હતું પરંતુ ખાંડના ભાવ હજુ પણ અપેક્ષા પ્રમાણે નીચે નહીં આવતા સરકારે સ્ટોક લિમિટને વધુ સખત બનાવી હોવાનું માનવામાં આવે છે.
ખાંડ પ્રાપ્ત થયાની તારીખથી ૩૦ દિવસ કરતા વધુ સમય સુધી ડીલરો તેનો સ્ટોક જાળવી શકશે નહીં.
દેશના મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં ખાંડના રિટેલ ભાવ હજુ પણ પ્રતિ કિલો રૂપિયા ૫૫ થી ૬૦ બોલાઈ રહ્યા છે.
જો કે ખાંડના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળા પાછળ કોઈ સ્પષ્ટ કારણ નહીં હોવાનું અને જરૂરિયાતને પૂરી કરી શકાય તેટલો ખાંડનો પૂરતો સ્ટોકસ છે, એમ દેશના ખાંડ ઉદ્યોગ દ્વારા તાજેતરમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.
નબળા ચોમાસાને કારણે ઓકટોબરથી શરૂ થતી ખાંડ મોસમના ઉત્પાદન પર અસર પડવાની ધારણાંએ ખાંડના ભાવમાં હાલમાં ઉછાળો આવ્યો હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
ટ્રેડરો દ્વારા ગભરાટભરી ખરીદીની સ્થિતિમાં તહેવારો ટાણે ખાંડની અછત સર્જાવાનો પણ ભય રહેલો છે.