ફાર્મા, આઇટી,ઓટો શેરોમાં તોફાની તેજી : સેન્સેક્સ ૭૭૬ પોઈન્ટ ઉછળી ૭૬૮૩૬
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૨૮ પોઈન્ટ વધીને ૨૩૯૯૬ : રોકાણકારોની સંપતિમાં રૂ.૫.૧૧ લાખ કરોડનો વધારો
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી : ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૩૨૯.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
મુંબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા પખવાડિયાથી હુમલાને લઈ વિશ્વનું ટેન્શન વધ્યા બાદ ગઈકાલે બન્ને દેશો વચ્ચે ફરી યુદ્વના અંત માટે વાટાઘાટની તૈયારીના અહેવાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ એક ઝાટકે ૯ ટકા જેટલા તૂટી જતાં વિશ્વની ઓઈલ પુરવઠા સાથે વિશ્વ વેપારની ચિંતા હળવી થતાં વૈશ્વિક બજારોમાં આજે સપ્તાહની શરૂઆત તેજીએ થઈ હતી. ભારતીય શેર બજારોમાં પણ આજે શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન સર્જાયું હતું. ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ ઘટાડાના પોઝિટીવ પરિબળ સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનતાં અને વોલેટીલિટી ઈન્ડેક્સમાં કડાકા સાથે આઈટી સેક્ટરને જેફ્રી દ્વારા અપગ્રેડ કરાયા સહિતના પોઝિટીવ પરિબળોએ શેરોમાં તેજી બળવતર બની હતી.
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૪૨ પોઈન્ટ ઉછળ્યો
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મોડી સાંજે બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૯ ટકા એટલે કે ૮.૯૬ ડોલર તૂટીને ૮૯.૩૯ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૭.૭૯ ટકા એટલે કે ૭.૦૫ ડોલર ગબડીને ૮૩.૪૨ ડોલર નજીક આવી ગયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૬૬ પૈસા સુધરીને ૯૫.૯૧ થઈ ગયો હતો. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૪૧.૭૪ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૬૯૦૧.૫૧ સુધી જઈ અંતે ૭૭૬.૦૧ પોઈન્ટ ઉછળીને ૭૬૮૩૫.૭૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૪૦૧૧.૬૦ સુધી જઈ અંતે ૨૨૮.૫૦ પોઈન્ટ વધીને ૨૩૯૯૫.૯૫ બંધ રહ્યા હતા.
આઈટી શેરોમાં તેજી
ઈન્ફોર્મેશન ટેકનોલોજી-આઈટી સેક્ટરને વૈશ્વિક જાયન્ટ જેફ્રીએ અપગ્રેડ ન્યુટ્રલ કરતાં આઈટી શેરોમાં આજે ફંડોની ખરીદી રહી હતી. એચસીએલ ટેકનોલોજી રૂ.૨૫.૧૫ વધીને રૂ.૧૨૯૫.૮૫, ટીસીએસ રૂ.૪૧.૨૫ વધીને રૂ.૨૨૯૫.૧૫, ડાટામેટિક્સ રૂ.૩૨.૮૫ વધીને રૂ.૮૫૩.૭૦, બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૩૮.૧૧ પોઈન્ટ વધીને ૨૮૩૫૨.૨૭ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૭૯૨ પોઈન્ટ ઉછળ્યો
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોએ પિરામલ ફાર્માની આગેવાનીએ મોટી ખરીદી કરી હતી. પિરામલ ફાર્મા રૂ.૧૦.૯૦ ઉછળીને રૂ.૧૯૨.૦૫, નારાયણ હ્યુદાલ્યા રૂ.૯૧.૭૫ વધીને રૂ.૨૦૫૩.૯૦, સાઈં લાઈફ રૂ.૫૫.૮૫ વધીને રૂ.૧૨૮૮.૧૫, મેક્સ હેલ્થ રૂ.૩૩.૦૫ વધીને રૂ.૧૧૧૪.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૯૨.૩૯ પોઈન્ટ ઉછળીને ૫૦૧૮૮.૨૦ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૯૧૭ પોઈન્ટ ઉછળ્યો
ક્રુડ ઓઈલના ભાવમાં ૯ ટકા જેટલો કડાકો બોલાઈ જતાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાનું જોખમ ટળતાં અને ચોમાસાની સારી પ્રગતિએ ઓટોમોબાઈલ શેરોમાં આજે મોટી ખરીદી થઈ હતી. અશોક લેલેન્ડ રૂ.૩.૮૫ વધીને રૂ.૧૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૮.૩૫ વધીને રૂ.૩૨૩૯.૩૫, મધરસન રૂ.૩.૪૫ વધીને રૂ.૧૪૯, હીરો મોટોકોર્પ રૂ.૧૦૨.૨૫ વધીને રૂ.૫૧૧૩.૦૫, મારૂતી સુઝુકી રૂ.૨૬૯.૧૦ વધીને રૂ.૧૩,૭૧૭.૫૦, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૦.૩૫ વધીને રૂ.૧૯૮૩.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૧૬.૬૩ પોઈન્ટ ઉછળીને ૬૦૬૯૦.૫૫ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૫૦૫ પોઈન્ટ વધ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. કેનેરા બેંક રૂ.૧.૬૦ વધીને રૂ.૧૨૭.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧.૫૫ વધીને રૂ.૧૦૦૭.૫૦, પીએનબી રૂ.૧.૧૫ વધીને રૂ.૧૧૧.૬૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૦૫ વધીને રૂ.૧૪૪૫.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૫.૩૩ પોઈન્ટ વધીને ૬૪૬૨૧.૪૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. એશીયન પેઈન્ટ રૂ.૭૧.૮૫ વધીને રૂ.૨૭૧૦.૧૫, બર્જર પેઈન્ટ રૂ.૬.૩૦ વધીને રૂ.૫૦૪.૨૦, ટાઈટન કંપની રૂ.૫૭.૫૫ વધીને રૂ.૪૭૩૯.૨૫, હવેલ્સ રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૨૩૭.૪૫, બ્લુ સ્ટાર રૂ.૬.૮૫ વધીને રૂ.૧૬૪૩.૮૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૬૧ પોઈન્ટ વધીને ૬૩૫૫૨.૬૪ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૨૪૭ પોઈન્ટ વધ્યો
મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડો ઘટાડે લેવાલ રહ્યા હતા. લોઈડ્સ મેટલ રૂ.૭૫.૭૫ વધીને રૂ.૨૦૧૫.૩૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૯.૬૦ વધીને રૂ.૧૦૬૫.૫૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૯.૪૦ વધીને રૂ.૭૨૩.૯૫, એપીએલ અપોલો રૂ.૨૩.૦૫ વધીને રૂ.૧૮૪૮.૭૫, ટાટા સ્ટીલ રૂ.૧.૫૦ વધીને રૂ.૧૮૪.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૪૬.૮૩ પોઈન્ટ વધીને ૪૦૧૩૩.૬૬ બંધ રહ્યો હતો.
FPIs/FIIની રૂ.૧૬૮૮ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૬૮૮.૨૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૩૨૯.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૫.૧૧ લાખ કરોડ વધી
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૮૦ લાખ કરોડ વધીને રૂ.૪૮૦.૮૦ લાખ રહ્યું હતું.









