Business

શેરબજાર કડડભૂસ : ચાંદીમાં 5000, સોનામાં 2500નું ગાબડું

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
ક્રૂડના ભાવ 109 ડોલરે પહોંચતા અને અમેરિકા-ઈરાન યુદ્ધની અનિશ્ચિતતાના કારણે અમદાવાદ સહિતના શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 1124 પોઈન્ટ તૂટી છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રોકાણકારોના 7.25 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. નિફ્ટી 22,800ની નીચે બંધ રહ્યો હતો. સોના-ચાંદીમાં પણ મોટું ગાબડું નોંધાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજાર કડડભૂસ : ચાંદીમાં 5000, સોનામાં 2500નું ગાબડું
  • ક્રૂડનો ભાવ વધીને ૧૦૯ ડોલરે પહોંચ્યો : અમેરિકા-ઇરાન યુદ્ધની અનિશ્ચિતતાની પણ અસર
  • સેન્સેક્સ ૧૧૨૪ પોઇન્ટ તૂટીને છ મહિનાની નીચી સપાટીએ : રોકાણકારોના રૂ.૭.૨૫ લાખ કરોડનું ધોવાણ

અમદાવાદ : ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાતાં આજે શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો. અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહેવાના અહેવાલો વચ્ચે શેર બજાર ખુલતા મીનીટોમાં જ ૮૮૮ પોઈન્ટો કડાકો બોલાતા રોકાણકારોના રૂ. ૬ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. દિવસના અંતે સેન્સેક્સ ૧,૧૨૪ પોઇન્ટ તૂટીને છ મહિનાની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો જ્યારે નિફ્ટી ૨૨,૮૦૦ની નીચે બંધ રહ્યો હતો. બીજીતરફ આજે સોના-ચાંદીમાં પણ મોટું ગાબડું નોંધાયું હતું.
હોર્મુઝ ફરી ખોલવા અંગે યુએસ અને ઈરાન વચ્ચે સર્જાયેલા અવરોધ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઉછળ્યા હતા, બીજીતરફ વિદેશી ભંડોળનો આઉટફ્લો, યુએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને નબળા એશિયન બજારોની પણ શેરબજાર પર અસર થઈ હતી. યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધતાં ક્રૂડમાં તાત્કાલિક ઘટાડાની અપેક્ષાઓ ઘટી ગઈ હતી, જેનાથી ક્રૂડમાં જીઓપોલિટિકલ પ્રીમિયમ ફરી વધ્યું હતું.
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI), જાપાનનો નિક્કેઈ ૨૨૫ ઇન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ વધારા સાથે બંધ રહ્યો હતો. યુરોપના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
આ અહેવાલો પાછળ આજે ભારતીય ઇક્વિટીમાં સમગ્ર સત્ર દરમિયાન વ્યાપક પાયે વેચવાલી જોવા મળી હતી, જેમાં બ્રોડર માર્કેટનું પ્રદર્શન ફ્રન્ટલાઈન ઈન્ડાઈસિસ કરતાં નબળું રહ્યું હતું. વેચવાલીના ભારે દબાણે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૃા. ૭.૫૨ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૃા. ૪૭૪.૩૬ લાખ કરોડ રહ્યું હતું.
શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો. જેમાં સેન્સેક્સ ૧,૧૨૪ પોઇન્ટ તૂટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટી ૨૨,૮૦૦ની નીચે બંધ રહ્યો હતો. આજે બીએસઇ સેન્સેક્સ ૧,૧૨૪.૦૨ પોઇન્ટ અથવા ૧.૫૨ ટકા ઘટીને ૭૨,૭૭૧.૭૨ પર બંધ રહ્યો હતો, જે ૩૦ માર્ચ, ૨૦૨૬ પછીનું સૌથી નીચું ક્લોઝિંગ લેવલ છે. દિવસ દરમિયાન તે ૧,૧૭૯.૫૧ પોઇન્ટ અથવા ૧.૫૯ ટકા તૂટીને ૭૨,૭૧૬.૨૩ સુધી પટકાયો હતો. એનએસઇ નિફ્ટી ૩૬૦.૨૫ પોઇન્ટ અથવા ૧.૫૬ ટકા ઘટીને લગભગ છ મહિનાની નીચી સપાટી ૨૨,૭૮૦.૨૫ પર બંધ રહ્યો હતો.
વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલ નવેસરથી વધીને ૧૦૯ ડોલર પહોંચતા તેની વૈશ્વિક સોના-ચાંદી બજાર પર અસર જોવાઈ હતી. આ અહેવાલ પાછળ વૈશ્વિક સોનું તૂટીને ૪૧૫૮ ડોલર અને ચાંદી ૬૧.૫૪ ડોલર રહી હતી. વૈશ્વિક બજાર તૂટતા અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે ચાંદી રૂ. ૫૦૦૦ તૂટીને રૂ. ૨,૨૭,૦૦૦ની સપાટીએ નરમ રહી હતી. જ્યારે સોનું ૯૯.૯ રૂ. ૨૫૦૦ તૂટીને રૂ. ૧,૫૨,૫૦૦ની સપાટીએ નરમ રહ્યું હતું.