વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા
- પ્લેટિનમ, પેલેડિયમમાં પીછેહઠ: ક્રુડમાં ટકેલુ વલણ
મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને હોદ્દા પરથી દૂર કરવા સંદર્ભમાં વિવિધ અહેવાલો વચ્ચે વૈશ્વિક સ્તરે ડોલર તથા સોનાના ભાવમાં વોલેટિલિટી જોવાયા બાદ છેવટે ડોલરમાં વધારો થયો હતો અને સોનામાં ભાવ સાધારણ નરમ બોલાતા હતા. પોવેલને દૂર કરવા ટ્રમ્પ વિચારી રહ્યા હોવાના અહેવાલે ડોલર નબળો પડયો હતો અને સોનામાં સુધારો જોવાયો હતો.
જો કે પોવેલને હોદ્દા પરથી દૂર કરવાની કોઈ યોજના નહીં હોવાના ટ્રમ્પના નિવેદન બાદ ડોલર ઊંચકાયો હતો અને સોનામાં નરમાઈ આવી હતી. આ ઉપરાંત અમેરિકામાં પ્રોડયૂસર પ્રાઈસ ઈન્ડેકસ (પીપીઆઈ) ડેટા અપેક્ષા કરતા નબળા આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરની હળવી નીતિ ચાલુ રહેશે તેવી ધારણાં ઘેરી બની છે. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. નબળી માગને કારણે ક્રુડ તેલમાં ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ લગભગ સ્થિર રહી જીએસટી વગર રૂપિયા ૯૭૪૫૩ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૭૦૬૩ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૧૧૦૦૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૫૦૦ જળવાઈ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ પ્રતિ દસ ગ્રામ ૧૦૦૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૨૦૦૦ ટકેલા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનુ મોડી સાંજે પ્રતિ ઔંસ ૩૫ ડોલર જેટલુ નબળુ પડી ૩૩૧૧ ડોલર બોલાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૩૭.૬૦ ડોલર મુકાતી હતી. કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. પ્લેટિનમ ૧૪૧૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૩૦ ડોલર મુકાતુ હતું.
વિશ્વ બજારમાં પૂરતી માત્રામાં ક્રુડ તેલ ઉપલબ્ધ હોવાના અહેવાલે ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ પ્રતિ બેરલ ૬૮.૭૦ ડોલર ટકેલુ રહ્યુ હતું.