Business

ચાંદીમાં 1980 જેવી મહામંદીના એંધાણ... રૂ.1 લાખ સુધીનો કડાકો બોલી જવાની આશંકા

By GS TEAM
23 Jan 20264 mins read
ચાંદીમાં 1980 જેવી મહામંદીના એંધાણ...  રૂ.1 લાખ સુધીનો કડાકો બોલી જવાની આશંકા

અમદાવાદ : આજે ભારત સહિત વિશ્વભરમાં ઈક્વિટી એટલેકે શેરમાર્કેટ અને સૌથી સુરક્ષિત રોકાણ ગણાતા સોના કરતા પણ વધારે બોલબાલા ચાંદીની થઈ રહી છે. ચાંદીના ભાવમાં આવી રહેલી રેકોર્ડ તેજી સામાન્ય જનતાની સાથે-સાથે અનેક દિગ્ગજ રોકાણકારોની આંખોને આંજી રહી છે. ચાંદીની આ ચળકાટ વેલ્યુ બાઈંગ છે કે પછી સટ્ટાનો ઉભરો છે તે અંગે અનેક દિગ્ગજો વચ્ચે મતમતાંર પ્રવર્તી રહ્યાં છે.

ભારતીય માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવ ૩૫૦ ટકાથી પણ વધુનો અકલ્પનીય ઉછાળો જોવા મળ્યો છે. એક સમયે ૯૦,૦૦૦ રૂપિયા કિલો વેચાતી ચાંદી હાલ ૩ લાખ ૩૫ હજારના રેકોર્ડ શિખરે પહોંચી છે. માર્કેટ એક્સપર્ટ અનુસાર આ તેજી અંદાજિત હતી અને આ સાયકલિકલ ઉછાળો છે. માર્કેટ એક્સપર્ટસ આ તેજીને એક 'ઉભરો' માની રહ્યાં છે અને ચાંદીના ટૂંક સમયમાં વળતા પાણીની આગાહી કરી રહ્યાં છે.

છેલ્લા એક જ મહિનામાં ચાંદીના ભાવમાં આવેલો ૫૦ ટકાથી પણ વધુનો ઉછાળો આ તાજેતરની તેજી પર શંકા ઉપજાવે છે તેથી જ અનેક બ્રોકરેજ હાઉસો હવે ખુલીને ચાંદીના આ શંકાસ્પદ ઉછાળા પર સવાલો ઉભા કરી  નીચેના ટાર્ગેટ આપી રહ્યાં છે. ચાંદીના ભાવ ટોચેથી ૩૦ ટકા સુધી ઘટી શકે છે. ભારતીય ભાવ પ્રમાણે જોઈએ તો અંદાજ છે કે ૧ લાખ કે તેથી વધુનો કડાકો ટૂંક સમયમાં બોલાઈ શકે છે. 

ઘટાડાનાં મુખ્ય કારણોમાં પ્રથમ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં સંભવિત ઘટાડો શક્ય છે. ચાંદી અને સોનાના ભાવમાં હાલના વધારાનું મુખ્ય કારણ ટ્રમ્પનો ટેરિફ દર જ છે. ટેરિફ ટેરિરિઝમ વધતા રોકાણકારો સુરક્ષિત આશ્રયસ્થા તરફ વળતા મોંઘી મેટલોમાં અણધારી તેજી જોવા મળી છે. જોકે વિશ્વ આ ટેરિફ સામે એકજૂટ થતા આગામી દિવસોમાં ટ્રમ્પ દ્વારા ટેરિફ રાહત મળી શકે છે.

સોના-ચાંદીમાં ઘટાડા પાછળનું બીજું મહત્વનું કારણ ડોલર ઇન્ડેક્સમાં નોંધપાત્ર રિકવરી હોઈ શકે છે. ૯૮-૯૯ આસપાસ પહોંચેલા ડોલર ઇન્ડેક્સમાં આગામી દિવસોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

ત્રીજું મહત્વનું કારણ રોકાણકારોની રિપ્લેસમેન્ટ થિયરી. સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે છે. નિષ્ણાતોના મતે ચાંદીના ભાવ એટલા ઊંચા સ્તરે પહોંચી ગયા છે કે આ લેવલેથી વળતર મર્યાદિત હોઈ શકે છે. પરિણામે, રોકાણકારો રિપ્લેસમેન્ટ થિયરી અપનાવી રહ્યા છે અને અન્ય ધાતુઓ તરફ ધ્યાન આપી રહ્યા છે. 

ચોથું એક કારણ સોના-ચાંદીનો ૧૪ વર્ષના તળિયા ૫૦ના લેવલે પહોંચેલો ગુણોત્તર છે. પાંચમું કારણ અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વનો વ્યાજદર ઘટાડો ડિસ્કાઉન્ટ થઈ ગયો છે તેથી સોના અને ચાંદીના ભાવ પર અમેરિકામાં વ્યાજદર કાપની કોઈ ખાસ અસર હવે દેખાશે નહીં. સૌથી મહત્વની ફેડની ટિપ્પણી અને જેરોમ પોવેલનો પદભાર રહેશે.

આ સિવાય વધુ એક મહત્વનું કારણ છે પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ. તાજેતરની તેજી સોલાર પ્રોડક્ટ, ડેટા સેન્ટર સહિતના સેક્ટરમાં ચાંદીની વધતી માંગને કારણે છે. જોકે ઉત્પાદકો હવે સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય ઇલેક્ટ્રોનિક માલસામાનમાં ચાંદીના વિકલ્પ શોધી રહ્યા છે. ઉત્પાદકો પાસે સસ્તા વિકલ્પો ઉપલ્બધ થશે ત્યારે આટલી મોંઘી ચાંદીનો ઉપયોગ કેમ કરશે? તેથી આગામી દિવસોમાં ચાંદીની માંગમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને તે ભાવને તળિયે પહોંચાડી શકે છે.

૧૯૮૦ની મહામંદી : ચાંદીમાં બે મહિનામાં જ ભાવમાં ૭૦ ટકાનો કડાકો 

૧૯૮૦નો સિલ્વર બબલ એટલે કે ચાંદીનો પરપોટો આ કોમોડિટીના ભાવમાં નાટયાત્મક વધારો અને ત્યારબાદ થયેલા કડાકાનો ઉલ્લેખ કરે છે. નેલ્સન બંકર, વિલિયમ હર્બર્ટ, લામર નામના હન્ટ બ્રધર્સ દ્વારા મેટલ માર્કેટને ઘેરવાના પ્રયાસને કારણે આ ચાંદીનો પરપોટો આવ્યો હતો. ૨૭ માર્ચ, ૧૯૮૦ના રોજ દિવસને 'સિલ્વર થર્સડે'ના કાળા દિવસ તરીકે યાદ કરાય છે. આ દિવસે ભાવમાં મોટો કડાકો થયો અને તેના કારણે લિક્વિડેશનની ફરજ પડી અને મસમોટી નાણાકીય સમસ્યાઓ સર્જાઈ હતી અને આ પ્રકરણ સાથે ફ્યુચર્સ માર્કેટ નિયમન માટેની જરૂરિયાત સમજાઈ. ૧૯૮૦માં, જ્યારે ચાંદીના ભાવ ૫૦ ડોલરની ટોચે પહોંચ્યા હતા અને માત્ર બે મહિનામાં જ ભાવમાં ૭૦ ટકાનો કડાકો આવ્યો હતો.

સમાન પ્રકારની પરિસ્થિતિ ૨૦૧૧માં પણ સર્જાઈ હતી, જ્યારે ચાંદીના ભાવ ૫૦ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યા અને આગામી પાંચ મહિનામાં જ તેમાં ૩૨ ટકાનો ઘટાડો થયો હતો.

ચાંદીના ભાવનું અનુમાન

સંસ્થા કે વ્યક્તિ

ટાર્ગેટ ભાવ

ફેરફાર

-

(ડોલર)-

 

બેંક ઓફ અમેરિકા

૧૭૦

+ ૭૮.૯%

સિટી ગુ્રપ

૧૦૦ (માર્ચ)

+ ૫.૩%

રોબર્ટ કિયોસાકી

૧૦૦- ૨૦૦

+ ૫.૩% - ૧૧૦.૫%

ફ્રેંક હોમલ્સ

૧૦૦

+ ૫.૩%

HSBC

૬૮.૨૫

- ૨૮.૨%

સાકસો બેંક

૬૦- ૭૦

- ૨૬.૩- ૩૬.૮%

જે. પી. મોર્ગન

૫૮

- ૩૮.૯%

યુબીએસ

૬૦

- ૩૬.૮%