ચાંદીમાં રૂા. 1,12,000નો નવો વિક્રમ રચાયો

મુંબઈ : અમેરિકા દ્વારા ટેરિફ વોરને કારણે ટ્રેડરો ડોલરના વિકલ્પ તરીકે કિંમતી ધાતુ તરફ નજર દોડાવી રહ્યા હોવાથી સપ્તાહ અંતે વૈશ્વિક બજારમાં સોનાચાંદી સહિતની કિંમતી ધાતુ નોંધપાત્ર સુધારા સાથે બંધ રહી હતી. વિશ્વ બજાર પાછળ મુંબઈમાં બંધ બજારે ભાવ ઊંચા બોલાતા હતા. ચાંદીમાં બંધ બજારે રૂપિયા ૧,૧૨,૦૦૦થી વધુની નવી ઊંચી સપાટી જોવા મળી હતી. ડોલર પણ ખાનગીમાં મજબૂત રહ્યો હતો. ક્રુડ તેલની માગને લઈને ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)ના નિવેદન બાદ ક્રુડ તેલના ભાવ પણ સપ્તાહ અંતે ઊંચા બંધ રહ્યા હતા.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજાર શનિવાર નિમિત્તે બંધ રહ્યું પરંતુ વિશ્વ બજારની પાછળ ખાનગીમાં ભાવ મક્કમ રહ્યા હતા. ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૭૯૦૦ બોલાતા હતા.
૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૯૭૫૦૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૧૨,૪૫૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદીમાં સતત બીજા દિવસે નવી ઊંચી સપાટી જોવા મળી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૦૧,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૭૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૧૦,૦૦૦ બોલાતા હતા.
વૈશ્વિક સોનુ ઔંસ દીઠ ૩૧ ડોલર જેટલુ ઊંચકાઈને ૩૩૫૬ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૧.૪૧ ડોલર વધી ૩૮.૪૨ ડોલર બંધ આવી હતી.
અન્ય કિંમતી ધાતુમાં પણ સુધારા તરફી વલણ રહ્યું હતું. પ્લેટિનમ ૧૫.૩૯ ડોલર વધી ૧૩૮૨.૨૬ ડોલર જ્યારે પેલેડિયમ ૫૮ ડોલર વધી ૧૨૦૨ ડોલર જોવાયું હતું.
જોરદાર ઉનાળુ માગને પરિણામે ક્રુડ તેલની વૈશ્વિક બજાર જણાય છે તેના કરતા વધુ મજબૂત હોવાના ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)ના નિવેદન બાદ સપ્તાહ અંતે વૈશ્વિક ક્રુડ તેલના ભાવમાં બે ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ અમેરિકા દ્વારા નવા ટેરિફ અને રશિયા પર નવેસરના પ્રતિબંધોની શકયતાએ પણ ભાવને ટેકો આપ્યો છે.
આઈસીઈ બ્રેન્ટ ક્રુડ અઢી ટકા જેટલુ વધી પ્રતિ બેરલ ૭૦.૩૬ ડોલર જ્યારે નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૮.૪૫ ડોલર કવોટ થતું હતું.









