Explainer: દિવાળીના તહેવાર ટાણે ચાંદી સસ્તી! 2 જ દિવસમાં ભાવ 17,000 રૂપિયા ઘટ્યા, બજારનો ટ્રેન્ડ અને કારણો જાણવા જેવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Silver Price Crash 2026: સામાન્ય રીતે દિવાળી જેવા તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર બિલકુલ અલગ છે. ચાંદીના ભાવમાં માત્ર 2 જ દિવસમાં ₹17,000 નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2026 માં ₹4.27 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ હાઈ સ્તરે પહોંચેલી ચાંદી અત્યારે 55% જેટલી તૂટી ગઈ છે, જે કુલ ₹2.34 લાખનો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ડિસેમ્બરના વાયદા 3.5% (₹7,000) ઘટીને ₹1,92,800 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. આમ, ચાંદીનો ભાવ ₹2 લાખની નીચે સરકી ગયો છે.
ભાવ ઘટવા પાછળના મુખ્ય 5 કારણો કયા?
- અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિઓ: અમેરિકાની મધ્યસ્થ બેંક (યુએસ ફેડ) અપેક્ષા મુજબ વ્યાજદરો ઘટાડી રહી નથી. જ્યારે બેંકમાં વ્યાજ વધુ મળે, ત્યારે રોકાણકારો ચાંદીમાં પૈસા રોકવાના બદલે બેંકમાં પૈસા મૂકવાનું વધુ સુરક્ષિત અને ફાયદાકારક માને છે. આ કારણે ચાંદીની માંગ અને તેના ભાવ ઘટી રહ્યા છે.
- ડૉલરની મજબૂતી: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડૉલર અન્ય દેશોના ચલણ સામે વધુ મજબૂત બની રહ્યો છે. ચાંદીનો વેપાર મુખ્યત્વે ડૉલરમાં થાય છે. જ્યારે ડૉલર મોંઘો થાય, ત્યારે ભારત જેવા અન્ય દેશો માટે ચાંદીની આયાત કરવી મોંઘી પડે છે. આર્થિક બોજ વધતાં ખરીદી ઘટે છે, પરિણામે ભાવ નીચે આવે છે.
- મોટા પાયે પ્રોફિટ બુકિંગ: જાન્યુઆરી 2026 માં ચાંદીના ભાવ અત્યંત ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. જે લોકોએ પહેલાં સસ્તામાં ચાંદી ખરીદી હતી, તેમણે મોટો નફો કમાવવા માટે ઊંચા ભાવે ચાંદી વેચવાનું શરૂ કરી દીધું. બજારમાં એકસાથે મોટા પ્રમાણમાં ચાંદી વેચાવા લાગી, તેથી અચાનક સપ્લાય વધ્યો અને ભાવ તૂટી ગયા.
- ઔદ્યોગિક માંગમાં ઘટાડો: ચાંદીનો ઉપયોગ માત્ર ઘરેણાંમાં જ નહીં, પણ સોલાર પેનલ અને ઇલેક્ટ્રોનિક્સ બનાવવા માટે ઉદ્યોગોમાં પણ મોટા પાયે થાય છે. અત્યારે ચીનના કારખાનાઓમાં ઉત્પાદન ધીમું પડ્યું છે. આ ઉપરાંત, કંપનીઓ હવે સોલાર પેનલમાં મોંઘી ચાંદી વાપરવાના બદલે તાંબા (કોપર) જેવી સસ્તી ધાતુનો ઉપયોગ કરવા લાગી છે, જેનાથી ચાંદીની ઔદ્યોગિક માંગ ઘટી ગઈ છે.
- ક્રૂડ ઓઈલ અને ફુગાવો: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ વધી રહ્યા છે. આનાથી દુનિયાભરમાં મોંઘવારી વધવાનો ડર રહેલો છે. મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય બેંકો વ્યાજદર ઘટાડવાનું ટાળી રહી છે. ઊંચા વ્યાજદરો હંમેશાં સોના-ચાંદીના બજાર માટે નુકસાનકારક હોય છે.
તહેવારોમાં ચાંદીની ઉપલબ્ધતા
ભારત તેની 80% ચાંદીની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. સરકારે તાજેતરમાં જ 6500 મેટ્રીક ટન ચાંદીની આયાતને મંજૂરી આપી છે, જેથી તહેવારોની સિઝનમાં બજારમાં ચાંદીની કોઈ અછત ન સર્જાય. આ પૂરવઠાને કારણે પણ ભાવ કાબૂમાં રહ્યા છે.
નિષ્ણાંતોના અનુમાન મુજબ બજારનો આગામી ટ્રેન્ડ કેવો રહી શકે?
- ટૂંકા ગાળા માટે (વર્ષ 2026 ના અંત સુધી): અત્યારે ચાંદી ₹1,95,000 થી ₹2,00,000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જો ડૉલર વધુ મજબૂત થશે તો ભાવ ઘટીને ₹1,70,000 થી ₹1,90,000 સુધી જઈ શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ભાવ ₹2,20,000 થી ₹2,60,000 ની રેન્જમાં સ્થિર થઈ શકે છે.
- લાંબા ગાળા માટે (વર્ષ 2027): વૈશ્વિક બેંકો (જેમ કે UBS અને Commerzbank) લાંબા ગાળા માટે તેજીમાં છે. જ્યારે અમેરિકા વ્યાજદર ઘટાડશે ત્યારે ચાંદી ફરી બાઉન્સ બેક કરશે. 2027ના અંત સુધીમાં ચાંદી ₹2,60,000 થી ₹3,20,000 અને જો બજારમાં મોટી તેજી આવે તો ₹4,30,000 સુધી પણ પહોંચી શકે છે. AI ડેટા સેન્ટર્સ અને EV (ઇલેક્ટ્રિક વાહનો) ની માંગ પણ લાંબા ગાળે ભાવને ટેકો આપશે.
આ ઘટાડો એક સારી તક સમાન
જો તમે અંગત જરૂરિયાત કે તહેવાર માટે ચાંદીના દાગીના કે વાસણો ખરીદવા માંગો છો, તો આ ઘટાડો એક સારી તક છે. પરંતુ, જો તમે ટૂંકા ગાળાના રોકાણ માટે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો અત્યારે બજાર જોખમી છે અને ભાવ વધુ ઘટી શકે છે. લાંબા ગાળાના રોકાણકારો આ ઘટાડાનો લાભ લઈ તબ્બકાવાર ચાંદી ખરીદી શકે તેવો નિષ્ણાંતોનો મત છે.
*ખાસ નોંધ કે કોઈપણ રોકાણ કરતાં પહેલા સંબંધિત માર્કેટ એક્સપર્ટની સલાહ લેવી હિતાવહ છે.




