Business

અચાનક કેમ તૂટ્યું શેરબજાર? સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો કડાકો

By GS Team
19 Jun 20262 mins read
TukuTouch Logo
શુક્રવારે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ભારે નિરાશાજનક રહી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોને કારણે કારોબારની શરૂઆત થતાની સાથે જ બંને મુખ્ય ઇન્ડેક્સ પત્તાની જેમ વિખેરાઈ ગયા હતા. ખાસ કરીને આઇટી અને ટેકનોલોજી સેક્ટરના શેરોમાં આવેલી સુનામીના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અચાનક કેમ તૂટ્યું શેરબજાર? સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો કડાકો

Stock Market Crash: શુક્રવારે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ભારે નિરાશાજનક રહી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોને કારણે કારોબારની શરૂઆત થતાંની સાથે જ બંને મુખ્ય ઇન્ડેક્સ પત્તાંની જેમ વિખેરાઈ ગયા હતા. ખાસ કરીને આઇટી અને ટૅક્નોલૉજી સેક્ટરના શેરોમાં આવેલી સુનામીના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

BSE Sensex: સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,409ની સરખામણીએ મોટી કટોકટી સાથે 76,852 પર ઓપન થયો હતો. જોકે, ઓપનિંગ બાદ લાઇવ માર્કેટમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો હતો અને 30 શેરો ધરાવતો આ ઇન્ડેક્સ ગગડીને 76,605ના લેવલ પર આવી ગયો હતો. આ હિસાબે સેન્સેક્સમાં ઓપનિંગ અવર્સ દરમિયાન 804 પોઇન્ટથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.

NSE Nifty: સેન્સેક્સની જેમ જ 50 શેરો ધરાવતા ઇન્ડેક્સ નિફ્ટીની હાલત પણ ખરાબ રહી હતી. નિફ્ટી તેના અગાઉના બંધ 24,168ની સામે નબળાઈ સાથે 23,991 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ આશરે 220 પોઇન્ટ તૂટીને 23,939ના સ્તર પર આવી ગયો હતો, જેના કારણે તે 24,000ની મહત્ત્વની સાયકોલોજિકલ સપાટીની નીચે સરકી ગયો છે.

IT શેરોમાં મચ્યો કોહરામ

બજારને પાછળ ધકેલવામાં સૌથી મોટી ભૂમિકા આઇટી અને આઇટી સર્વિસ કંપનીઓની રહી છે. બીએસઈની લાર્જકેપ કેટેગરીમાં સામેલ અગ્રણી આઇટી શેરો ઓપનિંગ સાથે જ ધરાશાયી થયા હતા:

Infosys Share: 8.50%નો ભારે ઘટાડો

TCS Share: 6.20%નો કડાકો

Tech Mahindra Share: 5.60%નો ઘટાડો

HCL Tech Share: 5.40%ની મોટી નબળાઈ

આ ઉપરાંત અન્ય મોટા શેરોની વાત કરીએ તો Mphasis 6.60%, Persistent 5%, Coforge 4.20%, HDFC Bank 2.30% અને Dixon 2.20% ઘટીને ટ્રેડ કરતાં જોવા મળ્યા હતા.

માર્કેટ બ્રેડ્થ: 1324 શેર રેડ ઝોનમાં ખૂલ્યા

શુક્રવારે માર્કેટ ઓપનિંગ દરમિયાન બજારનો મૂડ એકદમ નકારાત્મક હતો. આશરે 956 કંપનીઓના શેરોએ તેજી સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જેની સામે 1324 કંપનીઓના સ્ટોક્સ એવા હતા જે મોટી ગગડન સાથે રેડ ઝોનમાં ઓપન થયા હતા. આ સિવાય 178 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

બજાર તૂટવાનું મુખ્ય કારણ શું છે?

શેરબજારમાં આજના આ મોટા ઘટાડા પાછળ ગ્લોબલ આઇટી સર્વિસ જાયન્ટ કંપની 'એક્સેન્ચર'(Accenture)નો એક અહેવાલ જવાબદાર છે. એક્સેન્ચરે વેસ્ટ એશિયા(પશ્ચિમ એશિયા)માંથી આવતા રેવન્યુ(આવક)માં પડકારોને કારણે નાણાકીય વર્ષ FY2026 માટે પોતાના રેવન્યુ ગ્રોથના અનુમાનમાં કાપ મૂક્યો છે. આ નકારાત્મક અહેવાલને કારણે વૈશ્વિક સ્તરે આઇટી સેક્ટરમાં સેન્ટિમેન્ટ બગડ્યું છે, જેના લીધે અમેરિકી બજારમાં એક્સેન્ચરનો શેર રાતોરાત આશરે 18% તૂટ્યો હતો, જ્યારે Infosys ADRમાં આશરે 10% અને Wipro ADRમાં 3.6%નો ઘટાડો નોંધાયો હતો, જેની સીધી નકારાત્મક અસર આજે ભારતીય ટેક શેરો પર પડી છે.