Get The App

છ નાણાંકીય વર્ષ બાદ વર્તમાન FYના અંતે સેન્સેકસમાં નેગેટિવ વળતર

- અગાઉ કોરોનાના વર્ષમાં નકારાત્મક વળતર રહ્યું હતું

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
છ નાણાંકીય વર્ષ બાદ વર્તમાન FYના અંતે સેન્સેકસમાં નેગેટિવ વળતર 1 - image

મુંબઈ : છેલ્લા છ નાણાં વર્ષ બાદ વર્તમાન નાણાં વર્ષના અંતે બીએસઈ સેન્સેકસ નેગેટિવ વળતર પૂરુ પાડતો જોવાઈ રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની સતત વેચવાલી તથા રૂપિયામાં નબળાઈથી ઈક્વિટી બેન્ચમાર્કનું  માર્ચમાં સતત ધોવાણ થયું છે.

વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને એક દિવસ બાકી છે ત્યારે સેન્સેકસપાંચ ટકા જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ નાણાં વર્ષના પ્રારંભની સરખામણીએ ૩ ટકા જેટલો નીચે વેપાર થઈ રહ્યો છે.

આ અગાઉ નાણાં વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે સેન્સેકસ પર ૨૩.૮૦ ટકા નિફટીમાં ૨૬.૦૩ ટકા નેગેટિવ વળતર રહ્યું હતું.

છેલ્લા એકથી દોઢ વર્ષમાં દેશના શેરબજારે અનેક આંચકાઓ સહન કર્યા છે. ઓવરવેલ્યુએશનને લઈને વિદેશી રોકાણકારોની વેચવાલી, આઈપીઓની તેજીને કારણે લિક્વિડિટીની તાણ, ભારત-પાકિસ્તાન લડાઈ તથા એઆઈને કારણે આઈટી ક્ષેત્રમાં નબળાઈ જેવા આંચકા જોવા મળ્યા છે.

હાલના ધબડકામાં અનેક મિડકેપ તથા સ્મોલકેપ શેરો આકર્ષક ભાવે પ્રાપ્ત થઈ રહ્યા છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

સેકટરલ ઈન્ડેકસની વાત કરીએ તો વર્તમાન નાણાં વર્ષમાં નિફટી રિઅલ્ટી ઈન્ડેકસ ૨૧ ટકાથી વધુ નબળો પડયો છે. નાણાં વર્ષ ૨૦૨૦ બાદ આ ઈન્ડેકસની સૌથી નબળી કામગીરી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૦માં તેમાં ૩૪.૮૦ ટકા ઘટાડો થયો હતો. નિફટી આઈટી, એફએમસીજી તથા મીડિયા ઈન્ડેકસે પણ અનુક્રમે ૧૯.૯૦ ટકા, ૧૩.૪૦ ટકા તથા ૧૨.૩૦ ટકા નેગેટિવ વળતર પૂરુ પાડયું છે. 

સમાપ્ત થઈ રહેલા નાણાં વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આઉટફલો સામે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો રૂપિયા ૮.૩૫ ટ્રિલિયનનો નેટ ઈન્ફલો રહ્યો છે. જેમાંથી રૂપિયા ૫.૧૫ ટ્રિલિયનનો ઈન્ફલો તો મ્યુચ્યુઅલ ફન્ડસ તરફથી થયો છે. 

ઘરેલું સંસ્થાકીય રોકાણકારો સતત પાંચમાં નાણાં વર્ષમાં નેટ ખરીદદાર રહ્યા છે. ગત નાણાં વર્ષમાં ડીઆઈઆઈએ નેટ રૂપિયા ૬.૦૭ ટ્રિલિયન ઠાલવ્યા હતા. રૂપિયામાં ઘટાડાથી વિદેશી રોકાણકારોની નુકસાની વધી રહી છે જેને પગલે તેઓ ભારતીય ઈક્વિટીસમાંથી હળવા થઈ રહ્યા છે. મધ્ય પૂર્વમાં  રાજકીયભૌગોલિક તાણને પરિણામે ભારતીય બજારમાં આવી ગયેલા કરેકશનનો ડીઆઈઆઈ લાભ લઈ રહી છે.