Business

FPI રોકાણ, PSU ડિલિસ્ટિંગ ધોરણોમાં રાહત સહિતના પ્રોત્સાહનોની શકયતા

By GS Team
17 Jun 20252 mins read
This article was originally published on 17 Jun 2025
FPI રોકાણ, PSU ડિલિસ્ટિંગ ધોરણોમાં રાહત સહિતના પ્રોત્સાહનોની શકયતા

આવતીકાલે સેબીની બોર્ડ મીટિંગ


મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન તુહિન કાંતા પાંડેના નેતૃત્વમાં ૧૮, જૂન ૨૦૨૫ના મળનારી સેબીની બીજી બોર્ડ મીટિંગમાં આ વખતે રોકાણકારો, ખાસ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) માટે રોકાણમાં વધુ પ્રોત્સાહનો તેમ જ પીએસયુ કંપનીઓના ઓછા પબ્લિક ફ્લોટિંગ સાથે સ્વૈચ્છિક ડિલિસ્ટિંગ માટે વધુ સુગમતા કરી આપતાં સંખ્યાબંધ પગલાં-નિર્ણયો લેવાય એવી શકયતા છે.

સેબીની આ વખતની બોર્ડ મીટિંગમાં એફપીઆઈઝ, પીએસયુ કંપનીઓના ડિલિસ્ટિંગ સંબંધિત પગલાં ઉપરાંત અલગ કો-ઈન્વેસ્ટમેન્ટ વ્હીકલ થકી અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડો (એઆઈએફ)માં કો-ઈન્વેસ્ટમેન્ટની સુગમતા કરી આપવાના પગલાં પણ અપેક્ષિત હોવાનું જાણકારોનું કહેવું છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) માટે  જે એફપીઆઈઝ સ્થાનિક સરકારી સિક્યુરિટીઝ (જી-સેક)માં વોલેન્ટરી રીટેન્શન રૂટ (વીઆરઆર) અને ફુલ્લી એક્સેસિબલ રૂટ(એફએઆર) થકી રોકાણ કરતાં હોય એમના માટે સેબી આ વખતે આઈજીબી-એફપીઆઈઝ નામે નવી કેટેગરી દાખલ કરે એવી સંભાવના છે. સૂચિત રાહતોમાં આ એફપીઆઈઝ માટે તમારા ગ્રાહકોને ઓળખો-નો યોર કસ્ટમર્સ (કેવાયસી) ધોરણોને આરબીઆઈના ધોરણો સાથે સંરેખિત કરવા સહિતનો સમાવેશ હશે.

નોન-રેસિજેન્ટ ઈન્ડિયન્સ (એનઆરઆઈઝ), ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈઝ) અને રેસીડેન્ટ ઈન્ડિયન ઈન્ડિવ્યુજઅલ (આરઆઈઝ)ને આઈજીબી-એફપીઆઈઝમાં કોઈપણ નિયંત્રણો વિના રોકાણની મંજૂરી મળવાની શકયતા છે. આ સિવાય મટીરિયલ ફેરફાર અને ઈક્વિટી રોકાણ મર્યાદાઓ સંબંધિત રિપોર્ટિંગ-જાણ કરવા માટેની ડિસ્કલોઝર્સ આવશ્યકતામાં પણ રાહત મળવાની શકયતા છે.

જાહેર ક્ષેત્રના સાહસો-પીએસયુ કે જેમાં સરકાર ૯૦ ટકાથી વધુ શેરહોલ્ડિંગ ધરાવે છે, એ પીએસયુ માટે ડિલિસ્ટિંગની પ્રક્રિયાને સરળ કરવાની દરખાસ્તો પર ફણ વિચારણા થવાની શકયતા છે. ડિલિસ્ટિંગ માટે ન્યુનમત પબ્લિક શેરહોલ્ડિંગના પાલનની જોગવાઈ દૂર કરવામાં આવે એવી શકયતા સાથે બે તૃતીયાંશ શેરધારકોની મંજૂરી જરૂરી હોવાની શરતને પણ દૂર કરવામા આવે એવી સંભાવના છે.

અત્યારે આઠ લિસ્ટેડ પીએસયુ-પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગમાં સરકાર ૯૦ ટકાથી વધુ શેરહોલ્ડિંગ ધરાવે છે. હરિયાણા ફાઈનાન્શિયલ કોર્પોરેશન અને કેઆઈઓસીએલ જેવા કેટલાક કિસ્સામાં કેન્દ્ર સરકાર ૯૯ ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે, જે સાહસોમાં હોલ્ડિંગ ઘટાડવું અને ન્યુનતમ ૨૫ ટકા પબ્લિક શેરહોલ્ડિંગનું પાલન કરવું સરકાર માટે પડકાર છે.

આ ઉપરાંત સેબી બોર્ડ મીટિંગમાં આ વખતે અલગ કો-ઈન્વેસ્ટમેન્ટ વ્હીકલ થકી એઆઈએફઝમાં કો-ઈન્વેસ્ટમેન્ટની સુગમતા કરી આપવા પરની વર્કિંગ ગુ્રપની ભલામણો પર પર સમીક્ષા થઈ શકે છે.

અન્યમાં રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રેઈટ્સ) અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (ઈન્વિટ) સંબંધિત ધોરણોને પણ હળવા કરવામાં આવે એવી સંભાવના છે.