મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ ઝડપી ઉછળ્યા હતા. વિશ્વબજાર વધતાં તથા ડોલર સામે રૂપિયો તૂટતાં આયાતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગયાના નિર્દેશો હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલ વધુ ઉછળતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ પણ વધી જતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ વધતાં ખાનગીમાં અમુક સોદાઓ રૂ.૯૫ ઉપર રૂ.૯૫.૦૧થી ૯૫.૦૨ સુધી થયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ શુક્રવારે ૮૩ પૈસા વધ્યા હતા તથા ઉંચામાં ભાવ રૂ.૯૪.૮૫ થઈ રૂ.૯૪.૮૧ રહ્યા પછી શનિવારે ડોલરના ભાવ વધુ ઉછળતા દેખાયા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૦.૨૧ થઈ ૧૦૦.૧૯ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૨૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૫૦૦૦ ઉંચકાયાં હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૪૨૬થી ૪૪૨૭ વાળા વધી સપ્તાહના અંતે ભાવ ૪૪૯૪થી ૪૪૯૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૬૭.૯૦ વાળા વધી ૭૧.૭૭ થઈ છેલ્લે ભાવ ૬૯.૭૬થી ૬૯.૭૭ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૫૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૦૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૩૦૦ વધી રૂ.૨૨૮૦૦૦ બોલાયા હતા.
મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૮૩૯થી ૧૮૪૦ વાળા વધી ૧૮૬૭થી ૧૮૬૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૭૭થી ૧૩૭૮ વાળા વધી ૧૩૮૨થી ૧૩૮૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૩૨ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલમાં તેજી આગળ વધી હતી. વોર ઈફેકટ વચ્ચે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૧૦.૯૪થી વધી ૧૧૪.૮૮ થઈ ૧૧૨.૫૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૬.૫૯ વાળા ૧૦૧.૨૪ થઈ છેલ્લે ભાવ ૯૯.૬૪ ડોલર રહ્યા હતા.
અમેરિકામાં બેરોજગારીના દાવા પાંચ હજાર વધી ૨ લાખ ૧૦ હજાર આવ્યા હતા. ભારતમાં ફોરેક્સ રિઝર્વ ઘટતાં રૂપિયો વધુ દબાણ હેઠળ જોવા મળ્યો હતો.
દરમિયાન, રશિયાએ ગેસોલીનના નિકાસ પર ૧લી એપ્રિલથી પ્રતિબંધ મુકવા નિર્ણય કર્યાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં ક્રુડનું ઉત્પાદન કરતી રિગ્સની સંખ્યા ઘટી ૪૦૯ થઈ છે. ત્યાં ગેસ રિગ્સની સંખ્યા પણ ઘટી છે.


