Business

સ્માર્ટફોનની નિકાસમાં રેકોર્ડ વધારો, ડીઝલ ઇંધણને પાછળ છોડવાની તૈયારી

By GS Team
24 Jan 20252 mins read
This article was originally published on 24 Jan 2025
સ્માર્ટફોનની નિકાસમાં રેકોર્ડ વધારો, ડીઝલ ઇંધણને પાછળ છોડવાની તૈયારી

નવી દિલ્હી : દેશમાંથી સ્માર્ટફોનની નિકાસ સતત વધી રહી છે. HS કોડ આધારિત શ્રેણીઓમાં દેશમાંથી નિકાસ કરવામાં આવતા ઉત્પાદનોની દ્રષ્ટિએ સ્માર્ટફોન બીજા સ્થાને પહોંચી ગયા છે. જો તેની નિકાસની ગતિ આ રીતે ચાલુ રહેશે તો તે ડીઝલ ઇંધણની નિકાસને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવી શકે છે. HS કોડ્સ અથવા હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ કોડ્સ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઉત્પાદનોને વર્ગીકૃત કરવાની WTOની પ્રમાણભૂત સિસ્ટમ છે.

વાણિજ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં એપ્રિલથી નવેમ્બર દરમિયાન ૧૩.૧ બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી, જે HS કેટેગરીમાં ભારતમાંથી બીજા નંબરની સૌથી વધુ નિકાસ કરવામાં આવતી પ્રોડક્ટ બનાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ૮ મહિનામાં, અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૪૬ ટકા વધુ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. 

નાણાકીય વર્ષ ૨૦૨૪માં એપ્રિલથી નવેમ્બર દરમિયાન દેશમાંથી નિકાસના સંદર્ભમાં સ્માર્ટફોન ચોથા સ્થાને હતો, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૫માં સમાન સમયગાળા દરમિયાન તે બીજા સ્થાને પહોંચી ગયો છે.

છેલ્લા ઘણા વર્ષોથી દેશમાંથી નિકાસના સંદર્ભમાં વાહન ડીઝલ ઇંધણ ટોચ પર રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ના એપ્રિલ-નવેમ્બર દરમિયાન ડીઝલ ઇંધણ અને સ્માર્ટફોનની નિકાસ વચ્ચે ૧૦ બિલિયન ડોલરનું અંતર હતું, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૫ ના એપ્રિલ-નવેમ્બરમાં આ તફાવત ઘટીને ૪૦૦ મિલિયન ડોલર થઈ ગયો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૮-૧૯માં માત્ર ૧.૬ બિલિયન ડોલર મૂલ્યના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. પરંતુ બે વર્ષ પછી, સરકારે પીએલઆઈ સ્કીમની જાહેરાત કરી અને નાણાકીય વર્ષ ૨૦૨૦માં આ યોજનાની શરૂઆતમાં, સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં ૧૪મા ક્રમે હતા અને તે સમયે કુલ ૨.૯ બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. બે વર્ષમાં સ્માર્ટફોનની નિકાસ વધીને ૫.૭ બિલિયન ડોલર થઈ ગઈ. નાણાકીય વર્ષ ૨૦૨૩માં સ્માર્ટફોનની નિકાસ વધીને ૧૧ બિલિયન ડોલર થઈ અને કુલ નિકાસની દ્રષ્ટિએ ૫મા સ્થાને પહોંચી હતી.