Business

ક્રૂડતેલમાં ઝડપી ઘટાડો: સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં પણ પીછેહટ દેખાઈ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં વ્યાજ દરમાં વૃદ્ધિ થતા વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 995ના રૂ.151241 અને ચાંદીના રૂ.229642 રહ્યા. અમદાવાદમાં સોનું 10 ગ્રામના રૂ.500 અને ચાંદી કિલોદીઠ રૂ.3000 ઘટી હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઘટ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલમાં ઝડપી ઘટાડો: સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં પણ પીછેહટ દેખાઈ

અમેરિકામાં વ્યાજ દરમાં વૃદ્ધિના પગલે વિશ્વ બજારમાં સોનાના ભાવ તૂટયા પછી ફરી ઉંચકાયા: ચાંદીમાં પણ બેતરફી ઉછળકુદ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર જો કે કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ બતાવી રહ્યા હતા. અમેરિકામાં વ્યાજ દર વધારાતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાયો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૪૬થી ૪૩૪૭ ડોલર વાળા નીચામાં ભાવ ૪૨૫૭ થયા પછી ભાવ ફરી વધી ૪૩૪૨થી ૪૩૪૩ ડોલર રહ્યાના સમાચાર હતા.
ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૩૦૦૦ ઘટયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔ સના ૬૪.૯૦ ડોલર વાળા નીચામાં ભાવ ૬૪.૭૪ તથા ઉંચામાં ભાવ ૬૭.૧૯ થઈ ૬૬.૨૦થી ૬૬.૨૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટયા હતા. વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ સાઉદી અરેબિયા ઓમાન માર્ગે ક્રૂડની નિકાસ વધારી રહ્યાના સમાચાર આવ્યા હતા. ડોલર વધતાં તેની અસર પણ ક્રૂડના ભાવ પર દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૧૦૭.૨૫ વાળા નીચામાં ભાવ ૧૦૨.૮૫ થઈ ૧૦૩.૩૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૧૦૦.૩૩ થઈ ૧૦૦.૭૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીનાભાવ ઘટી રૂ.૨૩૨૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૧૨૪૧ તથા ૯૯૯ના રૂ.૧૫૧૮૪૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૨૯૬૪૨ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી રૂ.૬૦૮૧૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૭૮૯ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૨૯૨ ડોલર રહ્યા હતા. કોપરમાં વૈશ્વિક ભાવ આજે ૧.૨૮ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન અમેરિકામાં વ્યાજ દરમાં વૃદ્ધી થયા પછી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે બ્રિટનમાં વ્યાજના દર વધારવાના બદલે જાળવી રાખવા નિર્ણય કરતાં વિશ્વ બજારોમાં ખાસ્સી ચર્ચા જાગી હતી. હવે બેન્ક ઓફ જાપાનની મિટિંગ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.