ડેરિવેટિવ્સમાં પ્રોપ્રાઈટરી ટ્રેડરો કમાયા,રોકાણકારોને નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડેરિવેટિવ્ઝમાં પ્રોપ્રાઇટરી ટ્રેડર્સે રૂ. ૪૪,૪૮૩ કરોડ કમાયા, રિટેલ રોકાણકારોને રૂ. ૯૧,૬૮૫ કરોડનું નુકસાન થયું
મુંબઈ : ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાં પ્રોપ્રાઈટરોને બખ્ખાં થઈ રહ્યા છે જ્યારે રિટેલ રોકાણકારો ભારે નુકસાન કરી રહ્યા હોવાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના એક અભ્યાસમાં જણાયું હતું.પ્રોપ્રાઈટરી ટ્રેડર્સ એટલે કે સ્ટોક બ્રોકરો જેઓ પોતાના એકાઉન્ટ પર ડેરિવેટિવ્સ વેપાર કરે છે, તેમણે નાણાં વર્ષ ૨૦૨૬માં આવા વેપાર પર રૂપિયા ૪૪૪૮૩ કરોડનો નફો કર્યો હતો જ્યારે નાણાં વર્ષ ૨૦૨૫માં આ આંક રૂપિયા ૪૫૯૫૫ કરોડ રહ્યો હતો.
બીજી બાજુ વ્યક્તિગત અથવા રિટેલ ટ્રેડરોએ નાણાં વર્ષ ૨૦૨૬માં રૂપિયા ૯૧૬૮૫ કરોડની ખોટ કરી હતી. નાણાં વર્ષ ૨૦૨૫માં આ આંક રૂપિયા ૧.૧૨ ટ્રિલિયન રહ્યો હતો.
એલ્ગોરિધમ ટ્રેડિંગમાં ફાવટ ઉપરાંત ગણતરીપૂર્વકના ટ્રેડિંગને કારણે વ્યક્તિગત રોકાણકારોની સરખામણીએ સ્ટોક બ્રોકરો ડેરિવેટિવ્સ વેપાર પર નફો કરી શકે છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ઓપ્શન્સ વેપાર પ્રોપ્રાઈટરી ટ્રેડરોનો નફો વધારનારુ મુખ્ય માધ્યમ રહ્યું છે. પ્રોપ્રાઈટરી ટ્રેડરોને બેન્ક ગેરન્ટી માટે રિઝર્વ બેન્કના નવા ધોરણોની પ્રોપ્રાઈટરી ડેરિવેટિવ્સ વેપાર પર કેવી અસર થઈ છે તેનો અંદાજ આવતા વર્ષે મેળવી શકાશે.
જુલાઈમાં ડેરિવેટિવ્સ સેગમેન્ટસમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટર્નઓવર જૂનની સરખામણીએ ૮ ટકા ઘટી રૂપિયા ૪૫૧ લાખ કરોડ સાથે પાંચ મહિનાની નીચી સપાટીએ રહ્યું હતું.
નિયમનકારી ફેરબદલો તથા રોકાણકારોના સેન્ટિમેન્ટ નબળા પડતા બજારના કામકાજ પર અસર પડી હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. પ્રોપ્રાઈટરી ટ્રેડિંગ ફર્મ્સ તથા કેપિટલ માર્કેટ ઈન્ટરમીડિઅરિસને ધિરાણ માટે સખત ધોરણો જે ૧લી જુલાઈથી અમલી બન્યા છે તેને કારણે વેપાર પર અસર પડી હોવાનું જણાવાઈ રહ્યું છે.
બેન્ક ગેરન્ટીના નિયમોમાં ફેરબદલને કારણે ટ્રેડિંગ પોઝિશન જાળવી રાખવાનું ખર્ચાળ બન્યું છે. નવા નિયમ પ્રમાણે, બ્રોકરોને બેન્કો દ્વારા અપાતી ગેરન્ટી ૧૦૦ ટકા કોલેટરલ સામે જ આપવાની રહે છે જે પચાસ ટકા સામે હતી.
૧લી એપ્રિલથી ફ્યુચર્સના વેપાર પર એસટીટી ૦.૦૨ ટકા પરથી વધારી ૦.૦૫ ટકા કરાયો છે. જ્યારે ઓપ્શનમાં આ આંક ૦.૧૦ ટકાથી પરથી વધારી ૦.૧૫ ટકા કરાયો છે તેની અસર પણ જોવા મળવાની શકયતા છે.




